મધર્સ ડે: 14 માસની દીકરીથી દૂર રહી ફરજ બજાવી રહ્યાં છે નર્સ નયનાબહેન

વડોદરા: નયનાબહેન એ દિવસને યાદ કરતા કહે છે કે, ‘મેં છેલ્લે 29મી એપ્રિલના રોજ સવારે મારી દીકરી ગાર્ગીને તેડીને વ્હાલ કર્યું હતું.’ નયનાબહેન જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમની 14 માસની દીકરી સહુને વ્હાલી લાગે એવી છે. આજે ‘મધર્સ ડે’ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગાર્ગી એની માતાથી લગભગ 90 કિમી દૂર છે. નયનાબહેન ઈચ્છે તો પણ આ માતૃ વંદના દિવસે દીકરી ગાર્ગીને ખોળામાં લઈને વ્હાલનો વરસાદ કરી શકે તેમ નથી.

નયનાબહેન ગોત્રી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહે છે જ્યાં એમનાં માતા ગાર્ગીની દેખરેખ રાખતા હતા. તેમના વગર ગાર્ગી ખૂબ જ મુંઝાતી હતી એટલે નાછૂટકે એને પુનિયાવાંટ દાદાનાં ઘેર મોકલી આપી છે. આમ, તેમણે માતાની મમતા અને ફરજના સાદ વચ્ચે અઘરી કહી શકાય તેવી સમતુલા જાળવી છે.

નયનાબહેન કહે છે કે સરકારી નોકરી છે એટલે જે કામગીરી સોંપાઈ એ ફરજ બજાવવી જ પડે. 14 મહિનામાં પ્રથમવાર ગાર્ગીને નજરથી દૂર રાખીને નોકરી કરવાનો પ્રસંગ આવ્યો છે પણ મને એની કોઈ ફરિયાદ નથી.

કૉવિડ હોસ્પિટલના એન.આઇ.સી.યુ.માં તેમને ફરજ સોંપવામાં આવી છે. કદાચ નર્સ બહેનોના જીવનનો પ્રત્યેક દિવસ ‘મધર્સ ડે’ હોય છે.