રાજ્યમાં હાલ છૂટો છવાયો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર પણ રાજ્યના કેટવાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે મહત્વના સમાચાર પણ આપ્યા. ત્યારે સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના પ્રમાણે, આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે બુધવાર અને ગુરૂવારના દિવસે દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ મેઘ મહેર થવા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં વરસાદ હજી નવસારી સુધી આવ્યો છે. આ જે વરસાદ છે તે સાયક્લોનિક સરક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છના સંબંધિત ભાગોમાં બનેલું છે. જેના કારણે હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.
