સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યમાં 122 તાલુકા નોંધાયો વરસાદ

હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદની તોફાનિ બેટિંગ જોવા મળી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મેઘારાજાનું રૌદ્રા સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં ભારે વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ, પોરબંદરમાં 10 ઈંચ, કેશોદમાં પોણા નવ ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં અને ઉમરગામમાં સાડા 6 ઈંચ, ખંભાળિયામાં 5 ઈંચ તેમજ રાણાવાવમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં આજેની વાત કરીએ તો, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં સવા ત્રણ ઈંચ, તાલાલા અને પાટણ-વેરાવળમાં અઢી ઈંચ તેમજ વંથલી અને જૂનાગઢમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો છે. ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી છુટા છવાયા સ્થળોએ ધીમી ગતિએ વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગ અનુસાર, આજે સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે. જેના પગલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, સુરત, નર્મદા, વલસાડમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58 ટકા, કચ્છમાં 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03 ટકા વરસાદ નોંધાયો છે.