ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યમાં તમામ જિલ્લામાં વરસાદ નોંધાય રહ્યો છે. ગતરોજ રવિવારના 30 જૂનના રાજ્યના 211 તાલુકામાં 1 ઈંચ થી 6 ઈંચ સુધીનો વરસાદન નોંધવામાં આવ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ક્યાં ખુશી તો ક્યાના ગમનો માહોલ જોવા મળ્યો. જ્યાં ગુજરાતના ખેડૂતોમાં સારા વરસાદના પગલે હરખને હેલી જોવા મળી. તો ભારે વરસાદથી પાણી ભરવાની સમસ્યાથી કેટલાક લોકો ત્રસ્ત જોવા મળ્યા. રવિવારે લગભગ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી વરસાદી વાતાવરણ બંધાયું હતું. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે સુરતમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે ગણતરીના કલાકોમાં જ સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બપોરે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક રસ્તાઓ પર ભૂવા પડતાં વાહનો ફસાયાં હતાં.
રવિવારે સાંજના સમયે કચ્છના મુંદ્રામાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધીમાં કુલ 211 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ સુરતના પલસાણામાં નોંધાયો છે. મોડી રાતથી જ ભારે વરસાદના પગલે સુરત શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જળ મગ્ન થયા હતા. ત્યારે વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પાવાગઢમાં બે દિવસથી ભારે વરસાદને લઈ યાત્રાળુઓ સહિત ડુંગર પર વસતા 400થી વધુ પરિવારો પ્રભાવિત થયા હતા. શનિવાર રાતથી ભારે વરસાદના પગલે તારાપુર દરવાજા નજીકના પથરો ધરાશાયી થતા પગથિયા પરની રેલિંગને નુકસાન પહોંચ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં બે કલાકમાં પોણા બે ઇંચ અને બોડેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન તથા ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી છે, ત્યારે દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજાજી અડધી કાઠીએ સુરક્ષાના લીધે ફરકાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડ્યો.