અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા હોવાથી લગભગ તમામ મોટાં મંદિરોને થોડાક દિવસો પૂરતાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમાં, દ્વારકાસ્થિત ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાધીશ મંદિર, મહેસાણાનું બહુચરાજી માતા મંદિર, સાબરકાંઠાનું અંબાજી મંદિર, ખેડબ્રહ્માનું મા અંબે મંદિર, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિરનો સમાવેશ થાય છે. દ્વારકાધીશ મંદિર 23 જાન્યુઆરી સુધી, મહેસાણાનું મંદિર 22 જાન્યુઆરી સુધી, સાબરકાંઠાના અંબાજી મંદિરને 22 જાન્યુઆરી સુધી, અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે વ્રતની પૂનમ હોવાથી ભક્તો મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવેશ ન કરે એટલા માટે રાજ્ય સરકારની નવી કોરોના-ગાઈડલાઈન્સને ધ્યાનમાં લઈને મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મોટા મંદિરોમાં પૂજારીઓ દૈનિક પૂજા-અર્ચના કરશે અને તેનું પ્રસારણ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.