વાયદપુરા પ્રાથમિક શાળામાં શાકવાડીના ઉછેરથી બાળકોને પોષણ

વડોદરાઃ ઘણાં વર્ષો પહેલાં વડોદરાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ-પોષણના ઉદ્દેશ્યને વેગ આપવાનો પ્રયોગ અમલમાં મૂકાવ્યો હતો. ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાકનો બગીચો ઉછેરીને વિવિધ પ્રકારના મોસમી શાકોથી બાળકોનાં ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગને ૨૦ વર્ષ એટલે કે બે દાયકા પૂરા થયા છે અને આ શિક્ષક દંપતીએ સૌનાં સહયોગથી શાળામાં જ ઉછેરેલા શાકભાજી દ્વારા બાળ પોષણનું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે. કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતાં ત્યારે ઉછેરેલા શાકભાજી તેમના ઘેર પહોંચાડીને પણ અભિયાનને તેમણે આગળ ધપાવ્યું છે અને જે નવા શિક્ષકો શાળામાં આવ્યા એ તમામે આ પ્રયોગમાં સહયોગ આપ્યો છે.

નરેન્દ્રભાઇ જણાવે છે કે એ વખતે શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસા-શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝ્યો હતો. એ વખતે અમારી પાસે પાણીની ખાસ સુવિધા પણ ન હતી. છતાં આ વિચાર અમલમાં મૂક્યો હતો. આજે તો વાડીનું રક્ષણ થાય તેવી પ્રાંગણ દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે. ગામલોકો પોતાના ટ્રેક્ટરની મદદથી જમીન ખેડી આપે છે, બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વધતા-ઓછાં પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છીએ. હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો, દાતાઓ અને ગ્રામજનો સૌનો દિલથી આભાર માનું છું.

‘બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ જોવા મળે છે. એટલે શાકભાજી ઉમેરીને દાળ,મુઠીયા જેવી વાનગીઓ બનાવીએ છીએ જે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ખાય છે. મોસમમાં એકાદ-બે વાર ઊંધિયા પાર્ટી યોજવામાં આવે છે. શાળામાં મોટેભાગે ખૂબ ગરીબ પરિવારોનાં બાળકો ભણે છે. આ પ્રયોગથી તેમની થાળીમાં સ્વાદ અને પોષણની વિવિધતા ઉમેરાઈ છે અને શાક ખાવાના ભોજન સંસ્કારનું અમે સિંચન કરી શક્યા તેનો અમને આનંદ છે.’

શાળાની વાડીમાં અત્યાર સુધીમાં ઉત્પાદિત શાકભાજીનો અંદાજિત હિસાબ પણ આ ઉત્સાહી આચાર્યે રાખ્યો છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે આ શાળાની વાડીમાં ઉછેરીને અંદાજે રૂ.૩.૩૦ લાખથી વધુની કિંમતના શાકભાજી બાળકોને ખવડાવવામાં આવ્યા છે. વાડીમાં મોસમ પ્રમાણે પાલક, મેથી, મૂળા, ગાજર, બીટ, ધાણા, લસણ, મરચાં, રીંગણા, ટમેટાં, દૂધી, ગલકા, તુવેર, પાપડી, ફલાવર, કોબી, લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરીએ છે. લાલ અને ગોળ મૂળા જેવી આકર્ષક શાકભાજી અમે ઉગાડી છે. તેના લીધે ભોજનમાં શાકની સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડની વિવિધતા પણ ઉમેરી શક્યા છીએ, એમ નરેન્દ્રભાઈ વધુમાં જણાવે છે.

તેમના અંદાજ પ્રમાણે શાળાના મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીમાં પીરસાતી વાનગીઓમાં ૨૦ વર્ષ દરમિયાન શાળા શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના લગભગ ૧૧,૦૦૦ કિલોગ્રામ મોસમી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.

એક કિલોની કિંમત સરેરાશ રૂ.૩૦ મૂકીએ તો આ પ્રયોગ હેઠળ લગભગ રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની શાકભાજી બાળકોની ભૂખ અને પોષણ આવશ્યકતા સંતોષવામાં ઉપયોગમાં લેવાઈ છે. આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે અને સાથી શિક્ષકો અને પ્રતિનિધિમંડળોએ તેની મુલાકાત લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]