શિવ નિરાકાર છે તેવું શા માટે કહેવાય છે?

શિવ પુરાણના મત મુજબ શિવ એક અગ્નિ પુંજ છે. એક દિવસ એ અગ્નિ પુંજ નળાકાર સ્વરૂપમાં વિસ્તરતો ગયો અને એક પ્રચંડ વિસ્ફોટ થતા તેમાંથી સમગ્ર વિશ્વની સ્થાપના થઇ.જો બ્રહ્માંડની રચનાનો મૂળ સ્ત્રોત શિવ હોય તો જગતના કણ કણમાં શિવ છે એવું કહી શકાય. જેના થકી સમગ્ર વિશ્વ રચાયું છે તે દેવને મહાદેવ કહી શકાય? શક્ય છે કે બ્રહ્માંડના મૂળ બાર ભાગ બન્યા હોય અને તે જ પ્રતીકાત્મક સ્વરૂપે જ્યોતિર્લીંગ ગણાતા હોય. જ્યોતિ એટલે શું? તેજપુંજ અને જ્યોતિનો કોઈ સંબંધ દેખાય છે? વળીશિવ લિંગનો આકાર જ્યોતિપુંજ જેવો નથી લાગતો? જ્યાં.જ્યોતિ છે ત્યાં શક્તિ છે. મહાદેવી એટલે શક્તિ સ્વરૂપ.

સંપૂર્ણ શિવલીંગને જોઈએ ત્યારે જે નીચેનો ભાગ છે તે શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. આમ આપણે શિવ અને શક્તિ બંનેની સાથે આરાધના કરીએ છીએ. અને તેથીજ શિવપૂજા સંપૂર્ણતા આપી શકે છે. લીંગની નીચેનો ભાગ જેના પર તેની સ્થાપના કરવામાં આવે છે અને અભિષેક કર્યાબાદ જળ જેમાંથી પસાર થઇ બહાર તરફ જાય છે તે પણ શિવલીંગનો ભાગ છે. શિવને વિવિધ સ્વરૂપે વિચારવામાં આવે છે પણ પૂજા શિવલિંગ સ્વરૂપે થાય તે જ યોગ્ય છે. ભારતીય ગ્રંથો અને શાસ્ત્રોમાં વિવિધ સ્વરૂપે વિજ્ઞાન ની વાતો જોવા મળે છે. પણ એ બધુજ સંસ્કૃતમાં લખાયેલું છે. સંસ્કૃત પ્રત્યેની ઉદાસીનતા આપણને કેટલીક સાચી અને સારી માહિતીથી દૂર રાખવા માટે સક્ષમ છે. સંસ્કૃત એ કયા ધર્મની ભાષા છે? સંસ્કૃત કાળમાં સમગ્ર વિશ્વમાં માત્ર માનવ ધર્મ હતો. તો જે માનવ છે તેની ભાષા એને ગણી શકાય? વળી આપણા સિધ્ધાંતો પણ માનવલક્ષી છે. તે માત્ર કોઈ એક ધર્મ માટે રચાયા નથી. તો તેનું આચરણ પણ જે કોઈ પણ પોતે માનવ છે તેવું માનવાવાળી વ્યક્તિ કરી શકે.

વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે દરેક વ્યક્તિ- સ્ત્રી અથવા પુરુષ-ના મગજમાં ડાબો ભાગ લોજીકલ છે અને જમણો ભાગ ક્રિએટીવ છે. વ્યક્તિત્વની સામાન્ય સમજણથી વિચારીએ તો ડાબી બાજુ પુરુષ જેવું મગજ છે અને જમણી બાજુ સ્ત્રી જેવું મગજ છે. ડાબા હાથથી કામ કરનાર વધારે ક્રિએટીવ હોય છે. તેમનામાં કોઈ પણ સમસ્યાને સમજવાનો અલગ દ્રષ્ટિકોણ જોવા મળે છે. અર્ધનારેશ્વરના સ્વરૂપમાં આવી કોઈ બાબત દેખાય છે. ઘરની દીવાલો પર આવા ચિત્રો લગાવીને માત્ર ફૂલ ચડાવવા કરતા તેને સમજવા પ્રયત્ન કરીશું તો ભારતીય હોવાનો ગર્વ પણ વધશે. સ્વરોદય શાસ્ત્ર કેટલા લોકો સમજે છે? શું બ્રહ્માંડનો આકાર ઓહ્મ્ જેવો હશે? ધ્યાનના શ્રેષ્ઠ સમયમાં જે રંગ દેખાય છે એ રંગ ભારતીય આધ્યાત્મિકતાનું પ્રતિક શા માટે છે? ઓહ્મનેઉચ્ચાર નહિ પણ નાદ શા માટે કહે છે? આવા સવાલો ક્યારેય મનમાં ઉદભવ્યા છે ખરા? શિવપુરાણનો પાઠ વાંચવો કે તેની કથા કરવી તે સારી બાબત છે પણ તેને અલગ રીતે સમજવી તે જરૂરી બાબત ગણી શકાય. મારા રિસર્ચમાં મેં જોયુંછે કે શિવલિંગ પર અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવાથી અલગ અલગ સમસ્યાઓમાં લાભ થાય છે. શિવ જો જગતનું મૂળ તત્વ હોય તો તેમાંથી પ્રાપ્ત થતી સકારાત્મક ઉર્જા જીવનને વધારે સકારાત્મક બનાવી શકે. શિવ નિરાકાર છે તેવું શા માટે કહે છે?

શિવનું એકજ સ્વરૂપ છે પણ દેવીના વિવિધ સ્વરૂપ છે. જીવનનું તત્વ એકજ છે પણ શક્તિના વિવિધ સ્વરૂપો છે જે વિજ્ઞાને સ્વીકાર્યું છે. શક્તિના રૂપાંતરની વાત પણ વિજ્ઞાનમાં છે ને?આમ જોવા જઈએ તો શાસ્ત્ર એટલે નિયમોનું જ્ઞાન અથવા વિજ્ઞાન. વિવિધવિષયના નિયમોની સમજણ માટે શાસ્ત્રોની રચના થઇ.જર્મનીની માફક ભારતમાં પણ વિજ્ઞાન ભણવા માટે સંસ્કૃતનો અભ્યાસ ફરજીયાત કરી દેવામાં આવે તો ઘણા બધા રહસ્યો પર કામ થઇ શકે તેમ છે.

શિવપૂજા સ્વ ને પણ સાકાર કરવા સક્ષમ છે. શિવપૂજા જગતના કોઈ પણ માનવો કરી શકે છે. તેથીજ શિવ મંદિરમાં ક્યારેય તાળું નથી લગાવાતું કે ક્યારેય કોઈને પૂજા માટે મનાઈ નથી હોતી. હા, નિયમાનુસાર પૂજા થાય તે જરૂરી છે. વ્યક્તિની સમસ્યા અનુસાર તેને શિવપૂજા કરાવી શકાય. એક સામાન્ય શિવપૂજામાં પહેલા શુદ્ધિકરણ માટે જળ, ત્યાર બાદ મુખ્ય દ્રવ્ય દૂધ અને ફરીવાર પાણીથી અભિષેક કરી ત્યાર બાદ ચંદનથી ત્રિપુંડ કરી બીલીપત્ર ચડાવવાની પ્રક્રિયા જરૂરી છે. વધારે દ્રવ્ય વધારે લાભ અપાવે છે એવું નથી હોતું. આ શિવરાત્રીએ કપાળમાં ચંદનનું તિલક કરવાની સલાહ છે.

(મયંક રાવલ)