દેવળિયા સફારી પાર્કમાં સિંહે મજૂરને ફાડી ખાધો, અન્ય બે ઘાયલ, સિંહ હવે આજીવન કેદમાં…

જૂનાગઢઃ  સાસણ ગીર નજીક આવેલા દેવળિયા સફારી પાર્કના ઇતિહાસ સિંહે પાર્કમાં કામ કરતા કર્મચારીઓ પર હુમલો કરતા એક કર્મચારી મજૂરનું મોત નિપજ્યું છે અને અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાં છે. પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી દેવળીયા પાર્કને બંધ રાખવામાં આવશે અને હુમલો કરનાર સિંહને આજીવન પાંજરામાં પૂરી દેવાનો વનવિભાગે નિર્ણય લીધો છે.દેવળિયા સફારી પાર્કમાં મજૂર-ટ્રેકરનું કામ કરતા રજનીશ કેશવાલા પર સિંહે હુમલો કર્યો હતો.રજનીશને સિંહ જંગલમાં દોઢ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. સિંહે હુમલો કર્યો ત્યારે ત્યાં હાજર અન્ય એક મજૂર દિનેશે રજનીશને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સિંહે તેના પર પણ હુમલો કર્યો હતો. જો કે, દિનેશ સિંહનાં પંજામાંથી છટકવામાં સફળ રહ્યો હતો અને અન્ય સ્ટાફને તેણે આ હુમલા વિશે જાણ કરી હતી. ઇજાગ્રસ્ત દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો.

વિફરેલો સિંહ રજનીશને જંગલમાં ઘસડી ગયો હતો અને વન વિભાગે તેને શોધવા માટે મહેનત કરવી પડી હતી. રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટ કર્મચારી પર પણ હુમલો કર્યો હતો. જો કે, તેમના સામાન્ય ઇજા થઇ હતી અને તેમને પણ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં.આ દરમિયાન રજનીશ કેશવાળાનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ, વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. રજનીશ સાસણ ગામનાં રહેવાસી છે.

આ સમગ્ર ઘટના કેવી રીતે બની તે હજુ સુધી બહાર આવ્યું નથી. કેમ કે, દેવળીયા સફારી પાર્ક એક રીતે ઝૂ છે અને તેમાં સિંહોને પાંજરામાં રાખવામાં આવતા હોય છે અને દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે તેમને ખુલ્લામાં છોડવામાં આવતા હોય છે.ઉલ્લેખનીય છે કે, દેવળીયા સફારી પાર્કમાં આ વર્ષથી જિપ્સી સર્વિસ શરૂ કરવામાં આવી છે. રોજ 70 જિપ્સી પ્રવાસીઓને લઇને અંદર જાય છે. આ ઉપરાંત, દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન માટે ગાઇડ તરીકે મહિલાઓની પણ નિમણૂક કરવામાં આવી છે.સાસણ ખાતે સિંહદર્શન માટે બે જગ્યાઓ છે. એક છે ગીર અભ્યારણ્યમાં ગીર ટુરિઝમ ઝોન કે જેમાં જંગલમાં પ્રવાસી જાય છે અને સિંહદર્શન કરે છે, અને બીજી જગ્યા છે દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન. દેવળિયા પાર્કમાં ટુરિસ્ટ બસ અને હવે ઓપન જિપ્સી દ્વારા સિંહ દર્શન થાય છે.

સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર ગીર જંગલમાં જ જોવા મળે છે. 2015ની સિંહોની ગણતરી પ્રમાણે, ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારમાં 523 સિંહો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ગીર જંગલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.