મરાઠાઓને મળશે 16 ટકા અનામતનો લાભ: મહારાષ્ટ્ર વિધાનસભાએ ખરડો સર્વાનુમતે પાસ કર્યો

મુંબઈ – સમગ્ર દેશનું લક્ષ્ય ખેંચનાર મરાઠા સમાજ માટે અનામતનો માર્ગ આજે મોકળો થઈ ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા બેઠક અનામત રાખવા માટેના ખરડાને મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહે સર્વાનુમતે પાસ કરી દીધો છે. પહેલાં આ ખરડાને વિધાનપરિષદે પાસ કર્યો હતો અને બાદમાં વિધાનસભાએ પણ પાસ કરી દીધો હતો. આ સમાચાર સાથે જ સમગ્ર રાજ્યમાં મરાઠા સમાજનાં લોકોમાં આનંદ છવાઈ ગયો છે અને તેઓ દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આમ, મરાઠા સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વિધાનસભાના બંને ગૃહમાં આ ખરડો કોઈ પણ પ્રકારની ચર્ચા થયા વિના પાસ કરી દેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૌખિક મતદાનમાં ખરડાની તરફેણમાં ટેકો આપવા બદલ તમામ રાજકીય પક્ષોનો આભાર માન્યો છે.

રાજ્ય સરકારે મરાઠા અનામત મામલે રાજ્ય પછાત વર્ગ પંચે કરેલી ભલામણો અંગે સરકારે તૈયાર કરેલા બે-પાનાનાં એક્શન ટેકન રિપોર્ટને પણ આજે ગૃહમાં રજૂ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મરાઠા સમાજે 16 ટકા અનામતનો લાભ અપાય એ માટે તાજેતરના કેટલાક મહિનાઓમાં રાજ્યવ્યાપી આંદોલન કર્યા હતા.

સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવા માટે મરાઠા ઉપરાંત ધનગર સમાજે પણ માગણી કરી છે.

ફડણવીસે આજે કહ્યું કે અમે મરાઠા અનામતને લગતી પ્રક્રિયા પૂરી કરી દીધી છે. પરંતુ ધનગર સમાજને અનામત માટેનો અહેવાલ હજી પૂરો થયો નથી. એ માટે એક પેટા-સમિતિની રચના કરવામાં આવી છે. તે ટૂંક સમયમાં જ અહેવાલ આપશે અને ત્યારબાદ તે અહેવાલ અને સરકારનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

મરાઠા સમાજનાં લોકોને શિક્ષણ સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો જાહેર કરવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓમાં મરાઠા સમાજને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]