એલિમિનેટર મેચ પહેલા કોહલીને મળી ધમકી!

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રિ-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.

મહત્વ પૂર્ણ છે કે IPLની એલિમિનેટર મેચ આજે 22 મેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લે ઓફની આ મહત્વ પૂર્ણ મેચ પહેલા RCBએ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ આ ધમકી મળ્યા બાદ ટીમે કોઇ કારણ વગર સ્ટેડિયમમાં પોતાના પ્રેક્ટિસ સેશનને રદ કરી નાખ્યો છે. આ ઉપરાંત વિરાટને મળલી ધમકીને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.જોકે, મેદાન પર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ સિવાય આ ધમકી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા આયોજિત પ્રી-મેચ કોન્ફરન્સને પણ રદ કરી નાખી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હતા ચાર આતંકી

એક રિપોર્ટ અનુસાર ગુજરાત પોલીસના અધિકારીઓના હવાલાથી સંકેત આપ્યા કે RCB દ્વારા પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરવા અને બન્ને પક્ષો દ્વારા પત્રકાર પરિષદ ના કરવાનું પ્રાથમિક કારણ વિરાટ કોહલી માટે સુરક્ષાનો ખતરો હતો. થોડા દિવસો પહેલા ગુજરાત પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકીની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ પાસેથી હથિયાર, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ મેસેજ પણ મળી આવ્યા હતા.