નખના કદના પતંગ, ફિરકીઃ યુવકને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

હિંમતનગરઃ હિંમતનગરમાં રહેતા અને એકાઉન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દિવ્યેશ ચંપકલાલ શાહે જણાવ્યું હતું કે  વિશ્વમાં નામ કરવાની ઘેલછા જાગી હતી. ઉત્તરાયણના પર્વમાં નાના-મોટા સૌ પતંગોને આકાશમાં ઉડાવી આનંદ માણે છે, પરંતુ મને વિચાર આવ્યો કે આંગળીના નખ પર જો વિવિધ રંગબેરંગી પતંગોની ગોઠવણ કરવામાં આવે તો કેવું ?

તેની કલ્પના મનમાં કરી અને પેન્સિલ, ફૂટપટ્ટી, કાતર, દિવાસળીની સળી અને રંગબેરંગી કાગળની મદદથી ટચૂકડા પતંગ બનાવવાની શરૂઆત કરી હતી.

આમ ટચૂકડા પતંગ અને ફિરકી બનાવી લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શહેરને ગૌરવ અપાવ્યું છે. નરી આંખે પણ ન દેખી શકાય તેવા પતંગ અને પતંગ ચગાવવા માટેની ફિરકી બનાવી દોરી પણ વીટાળી છે.

આ યુવકે  મહેનત કરીને પાંચ સેન્ટિમીટરથી લઇ એક સેન્ટિમીટરના રંગબેરંગી પતંગ બનાવ્યા હતા. આ પતંગ બનાવતાં એક દિવસ જેટલો સમય લાગતો હતો. સોશિયલ મિડિયાના માધ્યમથી લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેવી રીતે નોમિનેશન કરી શકાય તે માટેની જાણકારી મેળવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને સદભાગ્યે આ મારી કલાને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્ય રાખીને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંગે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સર્ટિફિકેટ, મેડલ અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવશે.