જામનગરઃ ‘Save soil’ (માટી બચાવો)ની ઝુંબેશના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવજી 27 દેશો અને 30,000 કિલોમીટરનો પ્રવાસ પૂરો કરીને બેડી બંદરના દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જન સભાને સંબોધતાં જણાવ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડનાં પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,જે ધરા પર આવ્યો છું, જેથી હું મને ભાગ્યશાળી માનું છું.
કોઇમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા આ વર્ષની ૨૧ માર્ચથી સેવ સોઇલ નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમણે આ ઝુંબેશ લંડનથી શરૂ કરી હતી, એ પછી તેઓ ૨૯ મેએ દેશમાં સૌપ્રથમ સમુદ્ર માર્ગે જામનગરમાં પ્રવેશ કર્યો હતો.વિશ્વના ભૂ- વૈજ્ઞાનિકોએ તથા યુ એન એજેન્સી દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે માટીની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટી રહી છે. વર્ષ ૨૦૪૫ સુધીમાં વિશ્વમાં અન્નનું ઉત્પાદન ૪૦થી ૫૦ ટકા સુધી ઘટી શકે છે. ખાદ્ય પદાર્થની અછતને કારણે વિશ્વભરમાં આંતરિક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવો અંદાજ છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે ‘સેવ સોઇલ’ ઝુંબેશ હાથ ધરી છે.
આ પ્રસંગે ‘ભૂમિ બચાવો’ ઝુંબેશ વિશે તેમણે કહ્યું હતું કે તેમનું સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ચાર અબજ લોકો સુધી પહોંચીને આ ઝુંબેશમાં જોડવાનો છે. આવનારી નવી પેઢીના ભવિષ્ય માટે ભૂમિની ફળદ્રુપતા ટકાવી રાખવી જરૂરી છે. વિશ્વમાં 27,000 જેટલી પ્રજાતિઓ પર અસ્તિત્વનું જોખમ ઊભું થયું છે. વિશ્વમાં જૈવિક વૈવિધ્ય અને વાતાવરણને ગંભીર નુકસાન થયું છે. જો આપણે અત્યારે જાગ્રત નહીં થઈએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહીં. વિશ્વમાં આજે 40 ટકા ફળોનું ઉત્પાદન ઘટ્યું છે અને સાથે-સાથે ભૂમિ પણ ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.