ગુજરાત-ચૂંટણીઃ કોંગ્રેસ કોઈને CM-ઉમેદવાર ઘોષિત નહીં કરે એવી મેવાણીને આશા

અમદાવાદઃ ગુજરાતના અપક્ષ વિધાનાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એવી આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી કોઈને પણ તેના મુખ્ય પ્રધાન ઉમેદવાર તરીકે ઘોષિત નહીં કરે અને ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કોંગ્રેસની સહિયારી નેતાગીરી કરશે.

દલિત નેતા મેવાણી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા નથી, પરંતુ કોંગ્રેસની સાથે મળીને કામ કરે છે. એમણે પીટીઆઈ સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જો ચૂંટણીમાં જીતે તો તેની સરકારની આગેવાની લેવા માટે જનતાના ચુકાદામાંથી ઊભરી આવનાર ચહેરાને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. પોતે મુખ્ય પ્રધાન પદ માટે કોંગ્રેસના ઉમેદવાર નથી તેમજ પોતે એ રેસમાં સામેલ પણ નથી એવું મેવાણીએ કહ્યું.

મેવાણી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ટેકા સાથે બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી ચૂંટાઈ આવ્યા હતા.