ઇસ્કોન બ્રિજ અકસ્માતઃ કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જશીટ દાખલ

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઈએ અકસ્માત કરનાર તથ્ય પટેલ સામે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આરોપી તથ્ય પટેલે મોડી રાત્રે બેફામ કાર હંકારીને નવ લોકોને કચડી માર્યા હતા અને અનેક લોકોને ઘાયલ કર્યા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસે તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે. આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ અમદાવાદના પોલીસ કમિશનરે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે  કેસ અમારા માટે ચેલેજિંગ છે અને આરોપીની રેસ ડ્રાઇવિંગની આદત જૂની છે.

તથ્ય પટેલ સામે પોલીસે 1684 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં 15 દસ્તાવેજી પુરાવા,  આઠ સાક્ષી, આટ પોસ્ટમોર્ટમ નોટ, 191 સાક્ષીઓની તપાસ, ચાર્જશીટ મુજબ મારનાર નવ, 164 નિયમ મુજબ 8 નિવેદન, 173 (8)ની તપાસ ચાલુ છે. ઇજા પામનારા 12, બે વ્યક્તિ સારવાર હેઠળ છે. 20 જુલાઈએ ગુનો રજિસ્ટર અને 27 જુલાઈએ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવ વ્યક્તિનાં કરુણ મોત થયા હતા, જેમાં ત્રણ પોલીસ કર્મચારી હતા. આ સાયન્ટિફિક અને દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપી સામે પૂરતા પુરાવા છે. આ ઉપરાંત આરોપીનો DNA ટેસ્ટ લીધો જે પોઝિટિવ આવ્યું છે. જેગુઆર ગાડીમાં ઓવરસ્પિડિંગનું તારણ સામે આવ્યું છે. એક લાઇવ વીડિયો આવ્યો તે પણ અમે તપાસમાં લીધો હતો. આ કેસમાં 13 લોકોને સમયસર સારવાર મળવાથી તેમનો જીવ બચ્યો છે. તથ્ય પટેલના પિતા પર સામે પણ હાજર લોકોને ધમકાવવાનો કેસ નોંધાયો છે.

આરોપીઓ વિરુદ્ધ આ કલમો

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 આ ઉપરાંત માનવવધ કલમ 304 અને 279 બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઇનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તથ્યની જેગુઆર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે. કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. જ્યારે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી. તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે

ઇસ્કોન બ્રિજની આસપાસ શું થયું?

શેલા તરફના રસ્તેથી એક થાર ગાડી રાત્રે 12:35 વાગ્યે એસજી હાઈવે પર ચડી હતી. આ ગાડી ગાંધીનગર તરફ જઈ રહી હતી. કર્ણાવતી ક્લબ પાસે જ્યારે આ ગાડી પહોંચી એ સમયે બીજી એક થાર પણ એની પાસપાસ દોડવા લાગી હતી. ફુલ ઝડપે જ્યારે આ બે ગાડી આગળ વધી ત્યારે એમાંની એક ગાડી ઇસ્કોન બ્રિજ પર જઈ રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ 20થી 25 લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું. આ જ સમયે કર્ણાવતી ક્લબ તરફથી તથ્ય અને તેના મિત્રો જેગુઆર કાર લઈને અંદાજિત 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યા અને થારની આસપાસ ઊભેલા લોકોને ફંગોળી નાખ્યા હતા.