ઇસ્કોન અકસ્માતઃ પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી કરાશેઃ ગૃહપ્રધાન

અમદાવાદઃ રાજ્યમાં કાળજું કંપાવી દે એવો ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત થયો હતો, જેમાં નવ લોકોનાં મોત થયાં છે. આ મૃતકોના પરિવારનાં આંસુ સુકાતાં નથી, ત્યારે જેગુઆર કારચાલકના પિતા આરોપી તથ્ય પટેલને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પણ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ અકસ્માત અંગે જણાવ્યું હતું કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે 16 જણ ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈને લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને જેગુઆર કારચાલક તથ્ય પટેલને માર માર્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, તથ્ય પટેલ માર ન મારવા કાકલૂદી કરતો જોવા મળ્યો હતો.

કેસમાં SITની રચના કરી તપાસ શશે

આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ ઘટનાની તપાસમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, DCP જોઇન્ટ અને CP જોડાશે. FSL રિપોર્ટ આવતી કાલે સાંજ સુધીમાં આવશે, એમ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે મૃતકોના પરિવારોને દિલસોજી પાઠવી હતી.

ટ્રાફિક DCP નીતા દેસાઈ​​​​​​​એ વધુમાં જણાવ્યું હતું કે ગુનેગારને છોડવામાં નહીં આવે અને મૃતકના સ્વજનોને ન્યાય અપાવીશું, પરંતુ ગાડીની સ્પીડ ખૂબ જ હતી તેના કારણે ગંભીર અકસ્માત થયો છે.

તથ્યના પિતાનો પણ ગુનાઇત ઇતિહાસ

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત બહાર આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી રૂ. 30,000  પણ પડાવ્યા હતા.

વર્ષ 2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્ર ગોસ્વામી મુખ્ય આરોપી હતા. આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી યુવતી સાથે એક વાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો.

રાજ્ય સરકાર આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.