શું રણબીર-આલિયાનાં સંબંધમાં ભંગાણ પડ્યું છે? નીતૂ કપૂરની પોસ્ટને લીધે અટકળો

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કપૂર કુટુંબ બોલીવુડમાં સૌથી જૂના કુટુંબો પૈકી એક છે. આ કુટુંબની અનેક પેઢીઓએ મોટા પડદા પર મનોરંજનનો જાદૂ ફેલાવ્યો છે. આ પરિવારનાં એક સભ્ય છે, અભિનેત્રી નીતૂ સિંહ-કપૂર. અભિનેતા પતિ રિશી કપૂરના નિધન બાદ નીતૂએ ફિલ્મ પડદે પુનરાગમન કર્યું છે. ગયા વર્ષે એમનાં અભિનેતા પુત્ર રણબીર કપૂરનાં પણ લગ્ન થયા હતા. પરંતુ હાલ કપૂર ખાનદાનમાં કોઈક વિવાદ થયો હોવાની ચાહકોને શંકા ગઈ છે.

આનું કારણ છે, નીતૂ કપૂરે એમનાં ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી વિભાગમાં શેર કરેલી એક પોસ્ટ. તે પોસ્ટ વાંચીને ઘણા ચાહકો ગૂંચવણમાં પડી ગયા છે. કેટલાક લોકોએ એવી અટકળો કરવા માંડી છે કે કપૂર ખાનદાન તૂટી રહ્યો છે. નીતૂએ લખ્યું છે કે, અમારો પરિવાર હવે પહેલા જેવો રહ્યો નથી. આવું એટલા માટે છે કે પરિવારને સાથે લાવનાર લોકો હવે દુનિયામાં રહ્યાં નથી.

નીતૂની આ પોસ્ટને કારણે અનેક પ્રકારનાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. વળી, નીતૂએ એક કૌટુંબિક તસવીર પણ શેર કરી હતી. પરંતુ એમાં આલિયા ભટ્ટ ગાયબ હતી. લોકો એવી અટકળો કરી રહ્યાં છે કે સાસુ-વહુ (નીતૂ અને આલિયા) વચ્ચે અણબનાવ થયો છે. નીતૂએ એમનો 65મો જન્મદિવસ હાલમાં જ લંડનમાં ઉજવ્યો હતો. તે વખતે રણબીર અને નીતૂ-રિશીની પુત્રી રિધિમા કપૂર-સાહની, રિધિમાનાં પતિ ભરત સાહની અને એમની પુત્રી સમાઈરા ઉપસ્થિત હતાં. પરંતુ આલિયા અને એની પુત્રી રાહા દેખાતાં નથી. પરિણામે નીતૂએ શેર કરેલી પોસ્ટમાંનું લખાણ કોને ઉદ્દેશીને લખાયું છે તે વિશે લોકોમાં અટકળો થઈ રહી છે.