મણિપુરની ઘટના દેશવાસીઓ માટે શરમજનક, નહીં બચે ગુનેગારોઃ PM

નવી દિલ્હીઃ મણિપુરના વાઇરલ વિડિયો પર હંગામો થયા પછી રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે. મણિપુરની ઘટના પર વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે મણિપુરની ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક છે. ગુનો કરવાવાળા કેટલા અને કોણ છે- જે એની જગ્યાએ છે, પણ બદનામી દેશઆખાની થઈ રહી છે. 140 કરોડ દેશવાસીઓનું માથું શરમથી ઝૂકી ગયું છે. તેમણે કહ્યું હતું કે પુત્રીઓ સાથે જે કંઈ થયું, એને માફ કરવામાં નહીં આવે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આજે મારું હ્દય પીડા અને ક્રોધથી ભરેલું છે.

તેમણે કહ્યું હતું કે હું બધા મુખ્ય મંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ પોતપાતાનાં રાજ્યોમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં ઉઠાવે. તેમણે કહ્યું હતું કે આ દેશના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ રાજ્યમાં રાજકારણ અને વાદવિવાદથી ઉપર કાયદો વ્યવસ્થાનું માહાત્મ્ય અને સ્ત્રીઓનું સન્માન છે. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મણિપુરની આ પુત્રીઓની સાથે જે થયું એને ક્યારેય માફ નહીં કરવામાં આવે. મણિપુરની ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લેતાં કહ્યું છે કે સરકાર દોષીની સામે કાર્યવાહીની જાણ કોર્ટને પણ કરે.

મણિપુર મામલે પહેલી ધરપકડ

મણિપુરના CM એન. બિરેન સિંહે કહ્યું હતું કે અમે વિડિયો જોયો અને મને બહુ ખરાબ લાગ્યું છે. એ માનવતાની વિરુદ્ધ ગુનો છે. મેં પોલીસને દોષીઓની ધરપકડ કરવા આદેશ આપ્યો છે. આરોપીઓને મોતની સજા થાય એવો પ્રયાસ કરીશું. તેમણે જણાવ્યું હતું કે રાત્રે 1.30 કલાકે મુખ્ય અપરાધીની ધરપકડ કરવામાં આવી છે.

શું છે ઘટના?

હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાનો બહુ હેરાન કરતો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પાસેથી મળેલા સમાચાર મુજબ ભીડે ના તેમને એ વિસ્તારમાં નિર્વસ્ત્ર ફેરવી, પણ તેની સાથે ગેન્ગરેપ પણ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે બળાત્કાર અને મારપીટ પછી આ મહિલાઓ બોલી પણ નથી શકતી.