અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલની સ્ટુડન્ટ ફાઇનાન્સ કમિટીએ નાણાકીય બાબતો વિશે જાગૃતિ લાવવા અને વહેલાસર નાણાકીય આયોજનની સમજ વધારવાના હેતુ સાથે 2021-23 બેચના વિદ્યાર્થીઓ માટે “ઇન્વેસ્ટમેન્ટ વિઝડમ” સેમિનારનું આયોજન કર્યું હતું. નાણાકીય આયોજન પરનો સેમિનાર અત્યંત માહિતીસભર હતો, જ્યાં વિદ્યાર્થીઓએ સારી નાણાકીય યોજનામાં શું હોવું જોઈએ એના વિશે શીખ્યા હતા. તેમણે શા માટે વહેલું રોકાણ શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે એ પણ શીખ્યા હતા.
આ સેમિનારમાં સ્પીકરે વિદ્યાર્થીઓને ઉચ્ચ વળતર સાથે સંકળાયેલાં જોખમોને સમજવાની સલાહ આપી હતી. તેમણે તમામ રોકાણને એક એસેટમાં ન રાખવા અને લાંબા ગાળાનું રોકાણ વ્યક્તિને વહેલા નિવૃત્ત થવામાં કેટલી મદદ કરી શકે છે, એ અંગે પણ સલાહ આપી હતી. સેશન પછી કુ. વિધિ ઘિયા અને સુમન સૌરભ દ્વારા એક રસપ્રદ રમત યોજવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થી સંચાલકોએ વિવિધ રોકાણ વિકલ્પોમાં તેમના વર્ચ્યુઅલ નાણાંનું રોકાણ કર્યું હતું અને સૌથી વધુ નાણાંની કમાણી પર ઇનામ જીત્યા હતા. આ સેમિનારમાં સ્વર્ગીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને શ્રદ્ધાંજલિ આપવા વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
સ્ટુડન્ટ ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ માટે તેમના ધ્યેય નક્કી કરવા અને વહેલું રોકાણ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો, વિદ્યાર્થીઓને રોકાણ કરતાં પહેલાં સંશોધનનું મહત્ત્વ સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને યુવા વિદ્યાર્થીઓમાં રોકાણ-પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ પેદા કરતી ઇવેન્ટની પ્રશંસા કરી હતી.