શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં ઉત્તરોત્તર વધારો

અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરના ૧૧ દિવસમાં ડેન્ગ્યુના ૮૧ અને ચિકનગુનિયાના ૭૯ કેસ નોંધવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સાત ગણો અને ચિકનગુનિયાના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 3000થી વધુ  કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં ફક્ત ૪૩૨ કેસ ડેન્ગ્યુના હતા. જયારે વર્ષ 2020માં ચિકનગુનિયાના 923 કેસો નોંધાયા હતા, જેની સામે 2021માં 1677 કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે મલેરિયાના ૯૭૯ કેસ, ઝેરી મલેરિયાના ૧૩૧ કેસ નોંધવામાં આવ્યા છે.

વળી, ઊંઝાના વિધાનસભ્ય આશાબહેન પટેલનું ડેન્ગ્યુને લીધે મોત થયું હતું. તેમનું મલ્ટિ-ઓર્ગેન ફેલ્યોરને કારણે મોત થયું હોવાનું કહેવાય છે.

મચ્છરજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થ વિભાગની 300 ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધીને કાર્યવાહી કરી રહી છે.

શહેમાં ડેન્ગ્યુના કેસો સૌથી વધારે દક્ષિણ ઝોનમાં જોવા મળ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયેલા ચિકનગુનિયાના કેસ અન્ય કેટલાક ઝોનની સરખામણીએ ત્રણથી ચાર ગણા વધારે છે. અમદાવાદ-પૂર્વના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા સૌથી વધુ છે જ્યારે ચિકનગુનિયાના કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સૌથી વધારે નોંધવામાં આવ્યા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]