અમદાવાદઃ શહેરના વટવા જીઆઇડીસીમાં વિંઝોલ નજીક આવેલી ફેકટરીમાં મોડી રાત્રે લાગેલી આગ એટલી ભયાનક હતી કે બુધવારની સાંજ સુધી ફાયર બ્રિગેડની ટીમો ઠારવા મથામણ કરી રહી હતી. આગ અને ધુમાડાના કારણે સમગ્ર વટવા વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેમ જ આંખોમાં બળતરા થતી હતી.
વિંઝોલ નજીકની ફેકટરીમાં ધડાકા સાથે લાગેલી આગથી આખાય વિસ્તારના માર્ગો ઓરેન્જ દેખાતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ફેકટરીમાં લાગેલી આગથી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી અને સાથે ચાની હોટેલ, સિમેન્ટ-કોંક્રીટનું મશીન અને બે આઇશર ગાડીઓ જેવી અનેક વસ્તુઓ બળી ગઈ હતી.
આ વિસ્તારના નિષ્ણાતોના મત મુજબ જો બાજુની જ નવી તૈયાર થઇ રહેલી ફેક્ટરીમાં જો આગ વધારે પ્રસરી હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. મોડી રાત્રે લાગેલી આગને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમો સ્નોરકેલ તેમ જ અત્યાધુનિક સાધનોથી તમામ બાજુએથી પ્રયાસ કરતા હતા, એમ છતાં બુધવારની સાંજ સુધી આગ પર સંપૂર્ણ રીતે કાબૂ નહોતો મેળવી શકાયો.
(પ્રજ્ઞેશ વ્યાસ)