અમદાવાદઃ કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યકક્ષાના પ્રધાન જનરલ વિજયકુમાર સિંહ (સેવાનિવૃત્ત)એ આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી વિડિયોકોન્ફરન્સિંગ માધ્યમથી લીલી ઝંડી બતાવી એ સાથે જ અકાસા એર એરલાઈને મુંબઈ-અમદાવાદ રૂટ પર તેની વિમાન સેવાનો શુભારંભ કર્યો હતો. આ રૂટ પરની પહેલી ફ્લાઈટ આજે સવારે 10.05 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 11.25 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. આ ફ્લાઈટનું ઉદઘાટન કરતાં સિંધિયાએ કહ્યું કે આ ઘટના સિવિલ ઉડ્ડયન ક્ષેત્રમાં એક નવી સવારનું પ્રતીક છે.
મુંબઈ અને અમદાવાદ રૂટ પર અકાસા એર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે. આ એરલાઈનમાં અનેક ઉદ્યોગપતિઓનો હિસ્સો છે, પણ બિગ બુલ સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનો સૌથી વધારે, 45.97 ટકા હિસ્સો છે.
(તસવીર સૌજન્યઃ JM_Scindia)