અમદાવાદઃ ભારત બે દાયકામાં 15 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાને સક્ષમ છે, એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે. ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં વર્ચ્યુઅલ માધ્યમથી શેરહોલ્ડરોને કરેલા સંબોધનમાં અદાણીએ કહ્યું કે, ભારત પાંચ-ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનશે અને ત્યારપછી આગામી બે દાયકામાં 15-ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર પણ બનશે. વપરાશના કદ અને માર્કેટ કેપ, બંને રીતે ભારત દુનિયાની સૌથી મોટી માર્કેટ પણ બની શકે છે.
અદાણીએ વધુમાં કહ્યું કે આગળનો માર્ગ કઠિન જરૂર છે, પરંતુ વિશાળ એવો મધ્યમ વર્ગ દેશના વિકાસ પર સકારાત્મક અસર ઉપજાવી શકે છે. કંપનીના દેખાવ વિશે એમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021 માટે, અમારો લિસ્ટેડ પોર્ટફોલિયો માટે એકીકૃત EBITDA (એટલે કે વ્યાજ પહેલાની કમાણી, કરવેરા, ઘસારો અને ઋણમુક્તિ) રૂ. 32,000 કરોડથી વધુ હતું, જે વાર્ષિક 22 ટકાનો વૃદ્ધિ દર નોંધાવે છે. અદાણીના તમામ શેરે 100 ટકાથી વધુ વળતર ઉત્પન્ન કર્યું છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને પોતાને એકીકૃત બંદરો અને લોજિસ્ટિક્સ કંપનીમાં પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. અદાણી ગ્રીન એનર્જી રીન્યુએબલ ઊર્જાના ભવિષ્યની નવી કેડી કંડારી રહી છે. 2020માં તે વિશ્વની સૌથી મોટી સૌર ઊર્જા કંપની તરીકે સ્થાપિત થઈ છે.
વાર્ષિક સામાન્ય સભાઃ શેરહોલ્ડરોને ગૌતમ અદાણીનું સંબોધન