અમદાવાદઃ વર્ષ ૧૯૬૨ થી ૨૦૧૯ સુધી ગુજરાત રાજ્યમાં યોજાયેલી વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની ગાથા દર્શાવતું તસવીર પ્રદર્શન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું છે. ગુજરાતમાં મતદાનની તવારીખને તાદૃશ્ય કરતું અલભ્ય તસવીર પ્રદર્શન ‘એલીયોન્સ ફ્રાન્સેસ દ અમદાવાદ’, માણેકબાગ ખાતે યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનની તસવીરો દર્શકોને સાત દાયકાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં યોજાઈ ગયેલી વિવિધ ચૂંટણીઓની એક અદભુત સફર પર લઇ જાય છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ૨૨ માર્ચ, ૨૦૨૦ સુધી ખુલ્લું રહેશે.
આ પ્રદર્શનને ‘ઈન્ડેલીબલ ઈન્ક, ઈન્ડેલીબલ લીગસી’ નામ આપવામાં આવ્યું છે.
ભારતની ચૂંટણી પરંપરાની દાયકાઓ જૂની તેમજ સાંપ્રત બ્લેક એન્ડ વ્હાઈટ, કલર તસવીરોનો આ સંગ્રહ ફોટો જર્નાલિસ્ટ શુકદેવ ભચેચ, કલ્પિત ભચેચનો છે. જેમાં મતદાર, મતદાન કેન્દ્ર, મતગણતરી, સુરક્ષા વ્યવસ્થા સાથે માનવ મનને સ્પર્શી જાય એવી લાગણીસભર તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
ચૂંટણીની તસવીરોના પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે સંજય પ્રસાદ (ચૂંટણી કમિશનર ગુજરાત), મુરલી ક્રિષ્ના (મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું કે, શહેર કરતાં ગ્રામ્ય સ્તરે ચૂંટણી પ્રક્રિયામાં જનભાગીદારી વધુ જોવા મળે છે. ૧૯૬૨માં રાજ્યમાં ૧૦,૯૦૦ મતદાન મથકો હતા તથા ૯૫ લાખ મતદાતાઓ હતા જ્યારે વર્તમાનમાં ૫૦ હજાર મતદાન મથકો અને ૪ કરોડ ૬૦ લાખ મતદાતાઓ નોંધાયા છે. આ તસવીરો ફક્ત વીતી ગયેલા સમયની યાદગીરી નથી પરંતુ ચૂંટણીઓમાં ભાગ લેવા ઉત્સુક મતદારોના ઉત્સાહનું પ્રતિબિંબ છે.
મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિશ્નાએ જણાવ્યું કે, આ તસવીરો થકી નગરજનો ભૂતકાળની ચૂંટણીઓની યાદ તાજી કરશે. અહીંની તસવીરોમાંથી પ્રેરણા મેળવી લોકો સરકાર ચૂંટવાની લોકતાંત્રિક પ્રક્રિયામાં વધુ ઉત્સાહથી જોડાય છે તે ઇચ્છનીય છે.
રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોષી, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અજય ભટ્ટ, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, ઇતિહાસવિદ્ રિઝવાન કાદરી, પ્રૉ. મકરંદ મહેતા તથા આમંત્રિત મહેમાનો પણ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)