વડા પ્રધાનને હસ્તે પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદઃ સ્વામિનારાયણના BAPS સંસ્થાના સંત પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ આમ તો આવતી કાલથી થશે, જે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે, પણ એનો પ્રારંભ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થયો હતો. શહેરના 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. વડા પ્રધાને પ્રમુખસ્વામી મહારાજની 45 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે 30 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

શહેરના સાયન્સ સિટીથી ઓગણજ વચ્ચે SP રિંગ રોડ પર 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજાપાઠ દ્વારા આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદીની સાથે-સાથે મહંત સ્વામી, સંતો, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંડળના બધા પ્રધાનો અને દેશ-વિદેશી આવેલા હજ્જારો હરિભક્તોની સાથે મહેમાનોનું પણ સ્વાગત શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. આ એક મહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા આશરે 50 લાખ લોકો આવવાની વકી છે.

આ શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે માટે અમદાવાદની બધી હોટેલોનું 90 ટકા બુકિંગ થઈ ચૂક્યું છે. આ સભામાં BAPSના મોટા ભાગના તમામ સંતો સભામાં હાજર રહેશે.

આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે.  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે અહીં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.