અમદાવાદઃ વડા પ્રધાન જામકંડોરણામાં સભા સંબોધ્યા પછી અમદાવાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યની સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા જનઆરોગ્યલક્ષી કાર્યક્રમોનો શુભારંભ કરશે, જેમાં સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ હોસ્પિટલ પાછળ રૂ. 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેઓ ઉજ્જૈન જવા રવાના થશે.
વડા પ્રધાનને હસ્તે રાજ્યમાં વન ગુજરાત – વન ડાયાલિસિસ કાર્યક્રમ – રૂ. 66 કરોડ, જેમાં રાજ્યના દરેક તાલુકા અને છેવાડાના વિસ્તારો સુધી 188 ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત થશે અને દરેક તાલુકામાં વિશ્વ કક્ષાની એકસરખી ડાયાલિસિસ સુવિધા મળશેઆ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં જુદાં-જુદાં 22 સ્થળોમાં ડે કેર કિમોથેરાપી સેન્ટરોનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં રાજ્યના કેન્સરપીડિત દર્દીઓને પોતાના જિલ્લામાં કિમોથેરપી મળશે. આ કિમોથેરાપી સેન્ટર માટે રૂ. 12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમને હસ્તે અમદાવાદમાં GMERS મેડિકલ કોલેજ કેમ્પસમાં ન્યુ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ- 620 બેડની હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરો સર્જરીની સુવિધાઓ મળશે. આ ઉપરાંત તેમના હસ્તે ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં 850 બેડની સુવિધાવાળા નવા હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે અહીં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં હોસ્ટેલ બિલ્ડીંગ અને કાર્ડિયાક કેરની વિશ્વ કક્ષાની સુવિધા મળશે, જેમાં 10 માળનું 176 રૂમની હોસ્ટેલ બિલ્ડિંગ, જેમાં હૃદયની સારવાર માટે આધુનિક મશીનો, હૃદય અને ફેફસાં પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર સહિત વિશ્વ કક્ષાની આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓ મળશે.