ગાંધીનગરઃ રાજ્યના વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા ગજગ્રાહનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર કોરોના કાળમાં સ્કૂલોની ફી મામલે વાલીઓના હિતમાં નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સવારે મળેલી કેબિનેટની બેઠકમાં વાલીઓને ફીમાં 25 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં હતો. વળી, આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને એટલે કે CBSEને પણ લાગુ થશે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વાલીઓને 25 ટકા ઓછી ભરે તેવી રાહત આપવામાં આવી છે. એટલે કે 25 ટકા ફી માફ કરવામાં આવી છે. સંચાલકો 25 ટકા સાથે સહમત નહોતા થતા તેમને રાજી કરવામાં આવ્યા છે. આ સિવાય ઈતર ફી ભરવાની નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડ સિવાયનાં બધાં જ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે. ખાનગી શાળાના શિક્ષકોને પગાર આપવો પડશે. એક પણ શિક્ષકને છૂટા કરી શકાશે નહીં. વાલીઓએ પહેલાં ફી ભરી હશે તો ફી સરભર કરી શકાશે. જોકે સામે પક્ષે વાલી મંડળે 50 ફી માફીની માગ કરી હતી.
છેલ્લા ત્રણેક મહિના કરતાં વધુ સમયથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્ય પ્રધાન વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલના સંચાલકો સંમત થયા હતા. ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટા ભાગની સ્કૂલોના સંચાલક મુખ્ય પ્રધાનના નિર્ણય સાથે સંમત થયા હતા. જોકે આ ફી માફી સ્કૂલો બંધ રહે ત્યાં સુધી આપવી કે સ્કૂલો ચાલુ થયા પછી પણ ચાલુ રાખવી એ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
હાઈકોર્ટે સરકારને આદેશ
આ પહેલાં ફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે. હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતાં સરકારને કહ્યું હતું કે સરકાર નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરે.