કોરોના કાળમાં લોકોએ કારમાં જ વેપાર-ધંધા શરૂ કર્યા

અમદાવાદઃ દેશમાં કોરોનાના પ્રવેશની સાથે જ સંક્રમણ અટકાવવા લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. જેનાથી અર્થતંત્ર  ખોરવાઈ ગયુ હતું. જેને કારણે અનેક વેપારીઓના વેપાર-ધંધા પ્રભાવિત થયા હતા. શહેરના જુદા-જુદા વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોએ દુકાનોનું ભાડું પણ નીકળતા માર્ગો પર વાહનો ઊભા રાખી વેપાર શરૂ કરી દીધો છે.

શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારોમાં જે સ્થળો પર બજાર ભરાય છે ત્યાં લકઝુરિયસ કારમાં લોકો માલ ભરીને વેચાણ કરતાં જોવા મળે છે. રોડ પરના ભરચક બજારમાં કે હાઇવે પરની મોકળાશવાળી જગ્યાઓ પર કારમાં વેપાર વધી રહ્યો છે. એક તરફ કારમી મોંઘવારી અને મંદી- બીજી તરફ, કોરોના અને લોકડાઉનથી પ્રભાવિત ઘણા વેપાર-ધંધા અનલોક પછી પણ બેઠા નથી થયા.

પોતાની દુકાન કે શોરૂમ ના હોય એવા લોકોને ભાડું પોસાતું નથી, એ કારણે તેમણે કારમાં જ વસ્તુઓ ભરી માર્ગો પર ઊભા રહી માલનું વેચાણ શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિક સામાન, રેડીમેડ કપડાં, કટલરી, હોમ કેર અને હેલ્થ કેર જેવી અનેક ચીજ વસ્તુઓ કારમાં વેચાતી જોવા મળે છે.

કોરોનાના રોગચાળા, લોકડાઉનને કારણે શિક્ષણ, મનોરંજન સાથે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. એના કારણે રોજગારી માટે લોકોએ મોંઘી દુકાનોનાં ભાડાં ભરવાનું ત્યજી રસ્તાઓ પર કાર કે માલવાહક વાહનમાં માલસામાન ભરી વેચાણ શરૂ કરી દીધું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)