IKDRCએ 12 લાખ ડાયાલિસિસ માઇલસ્ટોનને પાર કર્યો

અમદાવાદઃ વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ દિવસ પહેલાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો  છે. 11 માર્ચે વિશ્વ કિડની દિવસ છે.

“અમે દરેક દર્દીના ઘરની નજીક ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છીએ અને તેથી જીડીપી સેન્ટર્સની સંખ્યાને બમણી કરી હાલની 50 કિલોમીટર ત્રિજ્યાની રેન્જને ઘટાડી 30 કિલોમીટર સુધી લાવવાનું અમારું લક્ષ્ય છે,” એમ IKDRC-ITSના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ગયા વર્ષે લોકડાઉનમાં આશરે 5000 કોવિડ-19 સંક્રમિત કિડનીના દર્દીઓની સેવામાં કાર્યરત રહેવું એ IKDRC માટે ખુશીની વાત હતી.  ગુજરાતના 32 જિલ્લાઓમાં 47 જીડીપી સેન્ટર્સ સાથે જીડીપી દેશમાં ડાયાલિસિસ સેન્ટર્સનું સૌથી વિશાળ સરકારી નેટવર્ક ધરાવે છે. IKDRC દ્વારા સંચાલિત 469 મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર્સ એક મહિનામાં લગભગ 22,500 ડાયાલિસિસ કરે છે.

જીડીપીની શાનદાર સફળતાના કારણે માણસા, કલોલ, કચ્છ-માંડવી, કચ્છ-ગાંધીધામ, વાંકાનેર, જામજોધપુર, સુરત-માંડવી, વાપી, ગોત્રી-વડોદરા અને આણંદમાં આગામી બે મહિનાઓમાં 10 બીજા સેન્ટર્સ શરૂ કરવાની યોજના છે, ડો. મિશ્રાએ જણાવ્યું હતું.

છેલ્લાં આઠ વર્ષથી ગુજરાતમાં કિડની કેરની જરૂરિયાતના હજારો દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં જીડીપીએ સૌથી આગળ રહી પોતાની સ્થિતિને જાળવી રાખી છે. IKDRC દ્વારા તાલીમબદ્ધ સહાયક કર્મચારીઓ સહિત 350 ટેક્નિશ્યનના સંખ્યા બળ સાથે જીડીપી દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના કોઇ પણ ખર્ચ વિના ઉચ્ચ ગુણવત્તાવાળા ડાયાલિસિસ કરવામાં આવે છે.

પ્રત્યેક ડાયાલિસિસ પ્રક્રિયા માટે સિંગલ-યુઝ ડાયલાઇઝર અને બ્લડ ટ્યુબિંગના ફરજિયાત માપદંડને લીધે ગુજરાતને ઉચ્ચ ગુણવત્તાવાળા ડાયાલિસિસ પ્રદાન કરવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું છે.