ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) સર્વસમાવેશી નીતિ અપનાવતાં NGO દક્ષણા, સિરિયલ એન્ટરપ્રુનર અને સમાજસેવક રુઈટન મહેતાની સાથે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે હાથ મિલાવ્યા છે. આ ત્રિપુટી પહેલી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી IITGN-દક્ષણા લીડરશિપ કાર્યક્રમ શરૂ કરશે, જેમાં ગ્રામીણ ભારતના આર્થિક રીતે નબળા 100 વિદ્યાર્થીઓને નેતૃત્વ, ક્રિટિકલ થિન્કિંગ અને સંદેશવ્યવહારની તાલીમ આપશે.
NGO દક્ષણા હાલમાં મુખ્યત્વે ગ્રામીણ ભારતના હોશિયાર અને ગરીબ વિદ્યાર્થીઓને 1-2 વર્ષ માટે કોચિંગની મદદથી IIT અને મેડિકલ એન્ટ્રન્સની પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે. જોકે એ સાથે નેતૃત્વ, ગહન ચિંતન-વિચાર અને સંદેશવ્યવહારની પણ જરૂર પડે છે. ‘IITGN-દક્ષણા લીડરશિપ કાર્યક્રમ’નો ઉદ્દેશ આવા હોશિયાર વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે.
પહેલા ‘IITGN-દક્ષણા લીડરશિપ કાર્યક્રમ’માં પુણે, બેંગલોર અને હૈદરાબાદની શાખામાંથી 100 દક્ષણા સ્કોલર્સને તાલીમ આપવામાં આવશે. તેઓ દક્ષણામાં IIT-JEEની તૈયારીમાં અસાધારણ દેખાવ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જવાહરલાલ નવોદયા વિદ્યાલય અને દેશમાંથી અન્ય સરકારી સ્કૂલોમાંથી તેમના શૈક્ષણિક રેકોર્ડને આધારે તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓનાં ધોરણ 10-12નાં પરિણામોને આધારે અને દક્ષણાની પ્રોપ્રાઇટરી ટેસ્ટિગ કરવામાં આવ્યા પછી તેમને પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓનાં માતા-પિતાની વાર્ષિક આવક રૂ. બે લાખથી ઓછી છે.
IITGNમાં આ વિદ્યાર્થીને ભારતીય અને વિદેશોના કેટલાક સર્વશ્રેષ્ઠ મેન્ટર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ફેર ઓબર્ઝવેરના સંસ્થાપક અને એડિટર-ઇન-ચીફ અતુલ સિંહ, યુએસ સ્થિત ઇન્ડિપેન્ડન્ટ મિડિયા ઓર્ગેનાઇઝેશનના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ઇસાકસન માર્ગદર્શન આપશે.
IITGN અને દક્ષણાના શુભ ચિંતકે કહ્યું હતું કે હું છેલ્લાં ઘણાં વર્ષોથી દક્ષણા વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ રહ્યો છું. તેઓ અસાધારણ રીતે હોશિયાર છે. જેથી તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડીને હું દેશને મારું યોગદાન આપવા માગું છું.