સાયન્સ સિટી ખાતે આયોજિત સ્પેસ ફેસ્ટિલને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે સ્પેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 ઓગસ્ટથી શરૂ થયેલા સ્પેસ ફેસ્ટિવલનું 23 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પેસ ડેના દિવસે સમાપન થશે.

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના દિવસે ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈનો જન્મ દિવસ હતો અને 23 ઓગસ્ટ 2023ના દિવસે ભારતના ચંદ્રયાન-3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થયું હતું. જેને લઈને ભારત સરકાર દ્વારા 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન સ્પેસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત સ્પેસ ફેસ્ટિવલ અંતર્ગત હેન્ડ્સ ઓન વર્કશોપ તેમજ ઈન્ટરેક્ટિવ સેશન્સનું આયોજન કરવામાં આવે છે. હેન્ડ્સ ઓન વર્કશોપમાં વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના રોકેટ, ઉપગ્રહ, સોલાર સિસ્ટમ વગેરેની પ્રતિકૃતિ બનાવતા શીખવાડવામાં આવે છે અને તેના થકી અવકાશ વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે છે.

હેન્ડ્સ ઓન વર્કશોપ ઉપરાંત દરરોજ એક ઈન્ટરેક્ટિવ સેશનનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન વિશેના જુદા જુદા વિષયો  જેવા કે તારા મંડળ,  ગ્રહો, ઉપગ્રહો,  ઉપગ્રહોના ઉપયોગ,  ગૂગલ મેપ,  જીપીએસ સિસ્ટમ, ભારતનું અવકાશ મિશન, ભારતના અવકાશ વૈજ્ઞાનિકો વગેરે અંગે રસપ્રદ માહિતી આપવામાં આવે છે.

હેન્ડ્સ ઓન વર્કશોપ અને ઈન્ટરેક્ટિવ સેશનમાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પેસ ફેસ્ટિવલ દરમિયાન આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ હેન્ડ્સ ઓન વર્કશોપ અને ઈન્ટરેક્ટિવ સેશનનો લાભ લેશે. આમ ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત સ્પેસ ફેસ્ટિવલને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.