અમદાવાદઃ શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચોની શરૂઆત થઈ ચૂકી છે. આગામી મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શનિવારે રમાશે. જેની તમામ ક્રિકેટરસિયાઓ રાહ જોઈને બેઠા છે. આ રસપ્રદ, રસાકસીવાળા મુકાબલાને રૂબરૂ માણવા તૈયાર કેટલાક લોકોએ શરીર પર ટેટુ અને પેઇન્ટિંગ કરાવ્યાx છે. અમદાવાદના અતિ ઉત્સાહી અરુણ હરિયાણી અને અનિલે ભારત-પાકિસ્તાનના મુકાબલા પહેલાં બોડી પર ચિતરામણ કર્યું છે.
અરુણ હરિયાણી ચિત્રલેખા.કોમને કહે છે મને મારા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે ખૂબ જ આદર છે. એ આદરને મેં શ્રીનગરના લાલ ચોકમાં સતત બે વખત જઈને પણ વ્યક્ત કર્યો છે. એ જ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું ત્યાર પછી તમામ મેચો કાર્યક્રમમાં ભારતની શાન તિરંગાના બોડી પેઇન્ટ સાથે જઈ મારી લાગણી વ્યક્ત કરું છું. મારા મિત્ર અનિલે પણ પાકિસ્તાનના ફ્લેગનું બોડી પર ચિતરામણ કરાવ્યું છે. જે સૌને આવકારવા ઉત્સાહ વધારવા છે બાકી એની તમામ લાગણીઓ ભારત જીતે એ માટેની છે.
અરુણ કહે છે, આ રીતે દેશપ્રેમ વ્યક્ત કરતાં સચિન તેંડુલકર પ્રેમી સુધીરને જોયા પછી મારા જીવનના ઉતાર-ચઢાવ દુઃખો ભૂલી ગયો. ક્રિકેટ અને કેટલાક કાર્યક્રમમાં દેશભક્તિ વ્યક્ત કરવાથી આનંદ મળવા લાગ્યો. મારા શરીર પર ભારતના ફ્લેગનું પર્મનેન્ટ ટેટુ પણ છે.
વર્લ્ડ કપને કારણે ક્રિકેટ ટુર્નામેન્ટ વેળાએ ક્રિકેટ, ક્રિકેટરોના ચાહકો મેદાનમાં અને બહાર અવનવી રીતે આકર્ષણનું કેન્દ્ર બનવા પ્રયાસ કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)