વાઇબ્રન્ટ ગુજરાતઃ ઉદ્યોગ સંચાલકો સાથે CMની વન-ટુ-વન બેઠક

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ નિમિત્તે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી.

આ સમિટમાં તેમણે L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન, ભારત અને દક્ષિણ એશિયા P&Gના એમડી  એલ.વી. વૈદ્યનાથન, UPLના ચેરમેન અને ગ્રુપ CEO  જય શ્રોફ, ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, કોટક મહિન્દ્રા બેંક MD અને CEO દીપક ગુપ્તા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને MD નંદકુમાર, આદિત્ય બિરલા ગ્રુપ ચેરમેન કુમારમંગલમ બિરલા, ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરી, બેન્ક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતે સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્ય મંત્રીશ્રી આ બધા ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું.

આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કંપનીએ હઝીરામાં આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આ માટે રૂ. 1000 કરોડનું રોકાણ કર્યું છે તેની ભૂમિકા આપી હતી. કંપની રૂ. 7000 કરોડના મૂડીરોકાણથી વડોદરામાં IT અને IT- સક્ષમ સેવાઓ (ITeS) પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ P&Gના એમડી એલ.વી. વૈદ્યનાથન સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરી હતી. કંપનીનો ૨૦૧૫થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે કરી હતી. મુખ્ય મંત્રીએ UPLના ચેરમેન જય શ્રોફ સાથે બેઠક યોજી હતી., તેમણે ગુજરાતમાં એક ગ્રાઉન્ડબ્રેકિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પણ સ્થાપ્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ ટાટા એન્ડ સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. ટાટા ગ્રુપે સાણંદમાં રૂ.૧૩,૦૦૦ કરોડના ખર્ચે EV બેટરી પ્લાન્ટનું નિર્માણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્ય મંત્રીએ તાજેતરમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ નીતિ અંગે તેમને માહિતગાર કર્યાં હતા.

મુખ્ય મંત્રીએ કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO  દીપક ગુપ્તા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુપ્તાએ કોટક મહિન્દ્રા બેંકે ગિફ્ટ સિટીમાં શરૂ કરેલા તેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર સ્થાપના બેંકિંગ યુનિટ (IBU)ની વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠક અંતર્ગત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામી સાથે બેઠક યોજી હતી. સ્વામીએ દહેજમાં એકમમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારાના રૂ. ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણ અંગે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાના કન્ટ્રી હેડ અને પ્રેસિડેન્ટ સુશ્રી કાકુ નખાતે કર્ટેન રેઇઝર ઇવેન્ટ પૂર્વે વન-ટુ-વન બેઠક યોજી હતી.

તેમને ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બેંક ઓફ અમેરિકાનું ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે તેની વિગતો આપવા સાથે રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ના સંદર્ભમાં ગિફ્ટ સિટીમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને વાયબ્રન્ટના મુખ્ય ઇવેન્ટ સાથે યોજાઈ રહેલી ટેકેડમાં પણ જોડાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્ય મંત્રીએ બેંક ઓફ અમેરિકાને ગુજરાતમાં તેના આગામી રોકાણો અન્વયે ઓપરેશન્સમાં રાજ્ય સરકાર યોગ્ય મદદ રૂપ થશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને રિલાયન્સ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. તેમની સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા ઔદ્યોગિક મૂડીરોકાણ અંગે તેમ જ ગુજરાતમાં ફ્યુચર-રેડી મેગા પ્રોજેક્ટ્સમાં સહભાગિતાનું ફલક વ્યાપક બનાવવા અંગે ફળદાયી ચર્ચા કરી હતી.

મુખ્ય મંત્રીએ વન-ટુ-વન બેઠકોની શૃંખલામાં ITC લિમિટેડના ચેરમેન અને MD સંજીવ પુરીએ મુલાકાત બેઠક યોજી હતી. ગ્રુપ હોટેલ્સ, પેકેજિંગ, એગ્રી બિઝનેસ જેવાં ક્ષેત્રોમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારી રહ્યું છે તે અંગે પુરીએ તેમને માહિતગાર કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવો  પંકજ જોશી, એસ. જે. હૈદર, જે. પી. ગુપ્તા અને ગિફ્ટના MD તપન રે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.