દિવાળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ ફરી એક ગૃહિણીના બજેટ પર માર લાગ્યો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
એક તરફ શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે. ખાદ્યતેલના ભાવમાં 85 રૂપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2230ની આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલની કિંમતોમાં વધારો થયો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે.
આ અગાઉ સિગંતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો 7 સપ્ટેમ્બરના લાદવામાં આવ્યો હતો. જે બાદ 29 જુલાઈના 80 રૂપિયાનો વધારો, 16 જુલાઈના 40 રૂપિયાનો, 4 જુલાઈના 70 રૂપિયાનો, 29 જુનના 30 રૂપિયાનો, 5 મેના 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. પરંતુ આ વખતે જરૂરિયાત વધુ વરસાદના પગલે મગફળીના પાકમાં રોગ લાગી ગ્યો હતો. જેના પગલે પાકનો મોટા ભાગનો હિસ્સો ખરાબ થઈ ગયો હતો. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. પાક નિષ્ફળ થવાથી આગામી સમયમાં તેલની કિંમતો વધુ ઉછાળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.