અમદાવાદઃ રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ વખતે રાજ્યમાં વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યું છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા, છત્તીસગઢ પર થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે, આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 16-17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલીમાં વરસાદની આગાહી છે.
મધ્ય ગુજરાતમાં 19-20 સપ્ટેમ્બરે ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.