સુત્રાપાડા, જૂનાગઢ, વડોદરામાં ભારે વરસાદઃ નદીઓમાં ઘોડાપૂર

અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડા શહેરમાં ચાર કલાકમાં 10થી વધુ વરસાદ વરસ્યો છે વડોદરામાં દેવ અને ઢાઢર નદીમાં પૂર આવતાં 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે અનેક ગામડાં જળબંબોળ થયાં છે. માણાવદરમાં પણ ખારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.  તાલાલામાં દોઢ-બે કલાકમાં પાંચ  ઈંચ વરસાદ વરસ્યો છે. સરસ્વતી નદી ગાંડીતૂર બનતાં માધુપુર જાંબુર ગામ જળબંબોળ થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને પગલે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયાં છે. સતત વરસી રહેલા વરસાદને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી જાણીતા માધવરાય ભગવાનના મંદિર પાણીમાં ડૂબ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ છે, હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેથી રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમ્યાન ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં  હાલ 60થી 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લીધે માછીમારો અને બંદરો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

રાજ્યના નવ જિલ્લામાં હજી પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એ સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ પડ્યો છે.