ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાંથી પસાર થતી વરસાદી ટ્રફને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ જાહેર કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને ઝડપી પવનની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. છેલ્લા પાંચ દિવસથી વરસાદની અસરે ખેતરોમાં પાકને નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
અમરેલીના લાઠી વિસ્તારમાં કમોસમી વરસાદે ડુંગળી, બાજરી અને કઠોળના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત વ્યર્થ ગઈ છે, અને તેઓએ સરકાર પાસે સરવે કરાવી વળતરની માગ કરી છે. ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં ગઈ રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના લીધે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા અને ભારે પવનને કારણે સ્ટ્રીટ લાઈટો પડી ગઈ હતી.
