રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ ડીસા જળબંબોળ

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની વકી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સીઝનનો 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં વરસેલા વરસાદની સ્થિતિ જોઈએ તો- ડીસામાં 10 ઇંચ વરસાદ વરસતાં જળબંબોળની સ્થિતિ છે, બીજી બાજુ નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદામાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે, જેથી સાવચેતીના ભાગરૂપે 53 જેટલા કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમ 85 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે.. સતત પાણીની આવકને કારણે ડેમની જળસપાટી 135 મીટર સુધી પહોંચી ગઈ છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પોશિનામાં છ ઇંચ નોંધાયો હતો. હાથમતી જળાશય 73 ટકા અને ગુહાઈ જળાશય 50 ટકા ભરાયો છે.

રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને લીધે 207 જેટલાં જળાશયો 76 ટકાથી પણ વધુ ભરાયાં છે. છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. 81 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ અને 134 તાલુકામાં એક ઇંચ કરતાં વધું વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગનાં ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા મુજબ રાજ્યમાં બે દિવસ વરસાદ રહેશે. જોકે આગામી 24 કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.