અમદાવાદઃ દીવ પાસે ત્રાટકેલું ‘તાઉ’તે’ વાવાઝોડું અમદાવાદ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે. ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે, જે કલાકના સાત કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. આ વાવાઝોડું આગામી 2થી 3 કલાકે ગમે એ સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી સંભાવનાઓ છે. જોકે પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે, એમ હવામાન વિભાગે કહ્યું હતું.
અમદાવાદનાં કમિશનરે મુકેશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બપોરના ત્રણ કલાક પછી પવનની સાથે વરસાદ વરસશે. હાલ પવનની ગતિ 38 કિલોમીટર પ્રતિ કલાક છે. વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે, તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.
AMC
City witnessing scattered cyclonic rainfall and forecast of heavy rainfall later today post 3:00 pm.
At Present wind speed 38 km per hour and forecast of higher intensity.
Residents are advised to Stay Indoor. #StaySafe pic.twitter.com/u93rivE7vu
— Mukesh Kumar (@Mukeshias) May 18, 2021
હાલ 2437 ગામમાં વીજ ડૂલ થઈ હતી, જેમાં 484 ગામમાં પૂર્વવત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1081 થાંભલા, 40,000 વૃક્ષો પડી ગયાં. 196 રસ્તા બંધ થઈ ગયા, 16,500 કાચાં મકાન અસરગ્રસ્ત થયાં છે.