ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો પ્રકોપ હજુ પણ ચાલુ છે. રવિવાર, 11 મેના રોજ રાજ્યના 19 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2.83 ઈંચ નોંધાયો. આ ઉપરાંત, જૂનાગઢ, જામનગર અને અન્ય કેટલાક જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 1.5થી 2.5 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રવિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 72 મી.મી. (2.83 ઈંચ), જૂનાગઢના માળિયા હાટિનામાં 45 મી.મી. (1.77 ઈંચ) અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો. આ જિલ્લાઓમાં બપોરે 2 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો અને સાંજ સુધીમાં અનેક સ્થળોએ વરસાદની નોંધ થઈ. આ ઉપરાંત, જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો. જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે ઉત્તર ગુજરાતના પોશીનામાં 18 મી.મી. અને કચ્છના ભુજમાં 4 મી.મી. વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં 1થી 15 મી.મી.ની વચ્ચે વરસાદ નોંધાયો. આમ, ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર ચાલુ રહ્યો છે, અને 19 જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ઓછાથી મધ્યમ વરસાદ પડ્યો.
અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમી અને ભેજનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થયા છે. શહેરમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ અને હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારથી અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે, જ્યારે ગુરુવારથી તાપમાન 41 ડિગ્રીને વટાવી શકે છે. સોમવારે (12 મે) ભેજનું પ્રમાણ વધીને 80 ટકા થવાની શક્યતા છે, જે ગરમીની અસરને વધુ તીવ્ર બનાવશે.
