HDFC બેંક કર્મચારીઓના કોરાનાની રસીકરણનો ખર્ચ ભોગવશે

અમદાવાદઃ એચડીએફસી બેંકે કહ્યું હતું કે બેન્ક એક લાખથી પણ વધુ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો કોરોનાના રસીકરણનો ખર્ચ ભોગવશે. બેંક બે આવશ્યક ડોઝ પાછળ થતા રસીકરણના ખર્ચનું વળતર ચૂકવશે.

આ પહેલ અંગે વાત કરતાં એચડીએફસી બેંકના એચઆરના ગ્રુપના વડા વિનય રાઝદાને જણાવ્યું હતું કે અમે અમારાં કાર્યાલયો અને બેંકની શાખાઓમાં કર્મચારીઓ અને ગ્રાહકોને કામ કરવા માટેનું સલામત વાતાવરણ પૂરું પાડવાની ખાતરી આપવા સરકાર દ્વારા આવશ્યક બનાવવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. અમારા કર્મચારીઓએ અમારા લાખો ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં અનુકરણીય ખંત, દક્ષતા અને સમર્પણ દાખવ્યું છે. અમારા કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારજનોના રસીકરણનો ખર્ચ ભોગવવો એ અમારા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માટે સંગઠન તરફથી આપવામાં આવેલી એક નાનકડી ભેટ છે.

એચડીએફસી બેંકનાં ગ્રુપ વડા આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે કોરોના રોગચાળામાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોવિડ-19ની રસી પ્રાપ્ત થાય અને તેઓ સુરક્ષિત રહે, એમ ઇચ્છીએ છીએ.

એચડીએફસી બેંકે લોકડાઉનમાં અગ્રણી હેલ્થકેર પ્રોવાઇડર્સ અને મેડિકલ પ્રેક્ટિશનર સાથે જોડાણ કરીને તેમના કર્મચારીઓની સુખાકારીની ખાતરી કરવા માટે અનેકવિધ પગલાં લીધાં હતાં. શાખાઓ અને કાર્યાલયોમાં સલામતીના કડક પ્રોટોકોલ જાળવવા ઉપરાંત- બેંકે વિવિધ ઓનલાઇન પહેલ મારફતે તેમના કર્મચારીઓ અને પરિવારજનોની માનસિક સુખાકારીની ખાતરી કરવાનું ઉમદા કામ પણ કર્યું હતું.