ગીતા રબારીએ PM મોદીને સંભળાવ્યું તેમના માટે લખેલું ખાસ ગીત, દિલ્હીમાં મુલાકાત

અમદાવાદઃ ગુજરાતી લોકસંગીતને જેણે યુવાનો સુધી પહોંચાડ્યું છે એવી ગુજરાતી લોકસંગીત ક્ષેત્રની ખૂબ જાણીતી લોકગાયિકા ગીતા રબારીએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ગીતા રબારીએ “રોણા શહેરમાં રે… ગીતને આખા ગુજરાતમાં ગૂંજતું કર્યું છે. 20 મહિના પહેલાં આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું.જેને 25 કરોડ વ્યૂઝ મળ્યાં હતાં.

ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જણાવ્યું કે, હું જ્યારે તેમને પહેલીવાર મળી ત્યારે શાળામાં ભણતી હતી. મેં ગીત ગાયું અને તેમણે મને 250 રૂપિયાનું ઈનામ આપ્યું હતું અને મને સિંગિંગનો અભ્યાસ ચાલુ રાખવા જણાવ્યું હતું. અમે માલધારી છીએ અને જંગલમાં રહીએ છીએ. મારા પિતાને ‘બેટી બચાવો, બેટી પઢાવો’નું પોસ્ટકાર્ડ મળ્યું હતું અને તેમણે મને શાળાએ મોકલી હતી.

તો વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટર પર ગીતા રબારીનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો.

ગીતા રબારીએ પોતાના પ્રખ્યાત ગીત ‘રોણા શહેરમાં’ ગીત વડાપ્રધાન મોદીને પણ સંભળાવ્યું. ગીતાએ કહ્યું કે હું પોતે ગીત લખું છું અને મોદીજી માટે 2017માં મેં ગીત લખ્યું હતું. ગીતાએ ગીત ગાતાં કહ્યું કે અમે રાજી મોદીજી તારા રાજમાં રે…સહું સહેમત તમારી વાતમાં રે, પછી વટ પડે છે આ વર્લ્ડમાં રે, વટ પડે છે ગુજરાતમાં રે…

પીએમને મળવા સહપરિવાર દિલ્હી પહોંચેલાં ગીતા રબારીએ સંસદ ભવનની બહાર પોતાના પરિવાર સાથે ફોટો પણ પડાવ્યો હતો અને મુલાકાતને વધુ યાદગાર બનાવી હતી.