અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને લઈને સતત ચિંતાનો માહોલ છે. અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ત્યારે કોરોનાના સંકટ ટાણે એક સારા સમાચાર ગુજરાત માટે આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસનો કુલ 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. છેલ્લાં 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ અત્યાર સુધી ગુજરાતમાં કુલ મોત 493 થયા છે.
અમદાવાદમાં 278 કેસ, સુરતમાં 41 કેસ, વડોદરામાં 25 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, મહેસાણા અને ગીરસોમનાથમાં 8-8 કેસ, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણ-બોટાદ-જામનગરમાં 3-3 કેસ, પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, આણંદ-કચ્છ-મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીનો આંક 8195 થયો છે. જેમાંથી વેન્ટિલેટર પર 31 છે. જેમાંથી 5126 સ્થિર છે. તો 2545 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ મોતનો આંક 493 થયો છે. આજના 21 મોતની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 18 મોત, આણંદ-ભાવનગર-સુરતમાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે.