આંતરાષ્ટ્રીય વેબિનારમાં થઈ ‘મીડિયામાં કોવિડ-19 પડકારો’ વિશે ચર્ચા…

અમદાવાદ: એન.આઈ.એમ.સી.જે.(નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ) દ્વારા તાજેતરમાં એક સાંપ્રત વિષય પર આંતરરાષ્ટ્રીય વેબિનાર યોજવામાં આવ્યો હતો, જેને ફેસબુક પર હજારો લોકોએ લાઈવ માણ્યો હતો. આ વેબિનારમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વેબિનારનો વિષય હતો, ‘ચેન્જ એન્ડ ચેલેન્જ ફોર ગ્લોબલ એન્ડ લોકલ મિડિયા પોસ્ટ કોવિડ-19’… (કોવિડ-19ના સંકટ પછી સ્થાનિક ને વૈશ્વિક પત્રકારત્વમાં આવનારાં પરિવર્તનો અને પડકારો). NIMCJના ડિરેક્ટર શિરીષ કાશીકરે આ વેબિનારમાં મોડરેટરની ભૂમિકા અદા કરી હતી. બે નેશનલ અને એક ઈન્ટરનેશનલ પેનલિસ્ટે એમના વિચારો રજૂ કર્યા હતા.

કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રમેશ રાવે કહ્યું હતું કે ભારત કે અમેરિકામાં ખૂબ ઓછા અખબારો પ્રિન્ટ થઈ રહ્યા છે એટલે લોકોના મનમાંથી અખબારો સાથેનું જે જોડાણ હતું એ તૂટી જવાની સંભાવના છે.

પ્રસાર ભારતીના પૂર્વ ચેરમેન ડૉ. એ. સૂર્યા પ્રકાશે કહ્યું હતું કે ઘણા પડકારો ને પરિવર્તનો આવશે. સૌથી મોટો પડકાર ફેક ન્યુઝનો છે જે ખૂબ ઝડપે ફેલાય છે.

રિલાયન્સના મિડિયા ડાયરેક્ટર ઉમેશ ઉપાધ્યાયે કહ્યું કે આપણે જે પરિવર્તન થોડા વરસ પછી જોવાના હતા એ કોરોનાને લીધે હમણાં જોવું પડી રહ્યું છે. હવે દરેક સમાચારને આપણે એકએક શાકભાજી તપાસી તપાસી ખરીદતા હોય એમ તપાસવા જોઈએ.  ફેસબુક પર આ સેશનને માણતા-માણતા અનેક લોકોએ સવાલજવાબ કર્યા હતા ને ઘણી રસપ્રદ ચર્ચાઓ થઈ હતી.