અમદાવાદમાં 15 મેથી ગ્રોસરી સ્ટોર્સમાં માત્ર ડિજિટલ પેમેન્ટ

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસનો ખતરો હજી પણ ગંભીર છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ગ્રોસરી સ્ટોર્સમાં માત્ર ડિજિટલ પેમેન્ટ જ કરી શકાશે અને રોકડા પૈસા આપી શકાશે નહીં. આવતી 15 મેથી આ નિર્ણયને ફરજિયાત અમલમાં મૂકવામાં આવશે.આજે અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી. જે બાદ વધુ એકવાર અમદાવાદ માટે નવા નિયમો અમલી બન્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને હેલ્થ ઓફિસર સહિતનાં અધિતકારીઓ આ મીટિંગમાં હાજર હતા. જેમાં અગત્યનો નિર્ણય લેવાયો છે કે, 15 મેથી હોમ ડિલિવરી માટે ફક્ત ઓનલાઈન પેમેન્ટનો જ ઉપયોગ થઈ શકશે. કેશ ઓન ડિલિવરી પેમેન્ટ નહીં થઈ શકે.

આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, હોમ ડિલિવરી એજન્સી જેવી કે ડી-માર્ટ, ઓશિયા હાઈપરમાર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમોટો અને સ્વીગી જેવી કંપનીઓ પોતાના 100 ટકા ડિલિવરી સ્ટાફનું સ્ક્રીનિંગ કરાવવું પડશે. અને રૂપિયાની નોટ દ્વારા ફેલાતા કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે ડિજિટલ પેમેન્ટ જેવાં કે UPI અને અન્ય પ્લેટફોર્મથી ઓનલાઈન પેમેન્ટને આવશ્યક બનાવાયું છે. આમ 15 મેથી હોમ ડિલિવરી સંપૂર્ણ કેશલેસ બનશે અને કેશ ઓન ડિલિવરીની સુવિધા બંધ રહેશે.

આ ઉપરાંત હોમ ડિલિવરી માટે પ્રોટોકોલ પણ જાહેર કરાયા છે. જેમાં AMC દ્વારા દરેક ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે ફક્ત 7 દિવસ માટે જ કાયદેસર રહેશે. અને આ સમયગાળા બાદ હેલ્થ કાર્ડને રિન્યુ કરાવવું પડશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી કોઈપણ ડિલિવરી બોય આવી શકશે નહીં. ડિલિવરી બોયઝે ગ્લોવ્ઝ, સેનિટાઈઝેશન કેપ, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. ફક્ત કેશલેસ પેમેન્ટનો સ્વીકાર કરવાનો રહેશે. કેશ ઓન ડિલિવરી લઈ શકાશે નહીં. અને તમામ ડિલિવરી સ્ટાફને પોતાના ફોનમાં ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવી પડશે.

આ ઉપરાંત એએમસી દ્વારા 100 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ શહેરનાં 17 હજાર જેટલાં શાકભાજી, ફળ, દૂધ અને કરિયાણા સહિતના દુકાનદારોને તેમના મોબાઈલ ફોનમાં ઓનલાઈન પેમેન્ટ એપ ઈન્સ્ટોલ કરવા માટે મદદ કરશે. અને દરેક દુકાનદાર પાસે જઈને એપ કેવી રીતે ઈન્સ્ટોલ કરવી, ટેક્નિકલ સપોર્ટ આપવો અને યુપીઆઈનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવાડશે. નોટોમાં કોરોના વાયરસ લાંબા સમય સુધી રહી શકે છે. આ કેશલેશ પેમેન્ટનાં નિર્ણયને કારણે કોરોનાને અટકાવવામાં મદદ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]