એપ્રેન્ટિસ યોજનાને લઇ જીટીયુ કૉલેજોના પ્રિન્સિપાલો-ટ્રસ્ટીઓની બેઠકમાં નિર્ણય

અમદાવાદઃ યુવાપેઢીના કૌશલ્યોમાં વધારો કરતી તાલીમ માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનામાં કૉલેજોનો સહભાગ વધારાશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) સંલગ્ન કૉલેજોના પ્રિન્સીપાલો-ટ્રસ્ટીઓની બેઠકમાં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જીટીયુના ઇન્ટીગ્રેટેડ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ઇન્સ્ટીટયુટ અવેરનેસ પ્રોગ્રામનું ચાંદખેડા કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ દ્વારા નિમવામાં આવેલા ઝોનલ ઓફિસર્સ અને એપ્રેન્ટીસશીપ એડ્વાઈઝસ દ્વારા તમામ કોલેજોના 150 ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સીપાલોને  યોજનાના તમામ પાસાંઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.ગુજરાત સરકારે એપ્રેન્ટીસશીપ યોજનામાં તાજેતરમાં કરેલા સુધારા અનુસાર 40 કે તેનાથી વધારે કર્મચારીઓ(કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિત) ધરાવતી કોઈપણ કંપનીએ અઢી ટકાથી દસ ટકા એપ્રેન્ટીસની ભરતી કરવી ફરજિયાત છે. આ યોજના હેઠળ લેવાતા કર્મચારીઓને અપાતા સ્ટાઈપેન્ડના હિસ્સા તરીકે રાજ્ય સરકાર સ્નાતક ઉમેદવાર માટે રૂ. ત્રણ હજાર, ડિપ્લોમાધારક ઉમેદવાર માટે રૂ. બે હજાર અને ટ્રેડ એપ્રેન્ટીસ ઉમેદવાર માટે રૂ. 1500 પ્રતિમાસ ઉદ્યોગોને ચૂકવશે. ગુજરાત સરકારે આ હેતુસર રૂ. 272 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ પ્રોત્સાહન યોજનાની સાથોસાથ આ યોજનાને વેગ આપીને યુવાપેઢીના કૌશલ્યોમાં વધારો થાય તે હેતુસર તાલીમ આપવા નવી યોજના અમલમાં મૂકી છે. તેના ભાગરૂપે જીટીયુએ ભૂજ, રાજકોટ, સૂરત, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, ભાવનગર, મહેસાણા તેમજ અમદાવાદ અને વડોદરામાં એપ્રેન્ટીસશીપ ભરતીમેળા યોજ્યા હતા, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.

કોલેજો આવનારા સમયમાં નિયમ અનુસાર એપ્રેન્ટીસશીપ આપીને તાલીમાર્થીઓની તાલીમ પૂરી પાડશે. આવનારા સમયમાં કોલેજોમાં વિવિધ કામગીરી માટે યુવાનોને સારા એવા પ્રમાણમાં તાલીમ મળી રહે તે માટે તમામ સંસ્થાઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઝોનલ ઓફિસર્સ અને એપ્રેન્ટીસશીપ એડ્વાઈઝર્સ દ્વારા તમામ પ્રકારનો સહયોગ સંસ્થાઓને પૂરો પાડવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. ઉદ્યોગજગતને તેઓની જરૂરિયાત મુજબના ઉમેદવારો મળી રહે તેના માટે અગાઉથી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેઓને તાલીમ આપવાની આ પદ્ધતિ કામિયાબ રહેશે. તેમાં પણ ઉદ્યોગોને સરકાર તરફથી સહાય મળી રહી હોવાથી ઔદ્યોગિક એકમો તેનો જરૂર લાભ ઊઠાવશે એવો અમને વિશ્વાસ છે. વિદેશમાં પણ વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી-રેડી બનાવવા આવા પ્રકારની તાલીમ પૂરી પાડીને તેઓને તૈયાર કરવામાં આવે છે, એવી માહિતી પ્રાદેશિક ઈન્ચાર્જ અને એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.જી.પી.વડોદરીયાએ આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]