દિવાળી બાદ વાવ પેટાચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ મેદાને પડ્યાં છે. વાવ બેઠક બંને રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. ત્યારે આ ચૂંટણી બાદ રાજ્યમાં પંચાયત-પાલિકાની ચૂંટણી યોજાય એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્રમાં સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કર્યું હતું જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ જોતાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓનો માર્ગ મોકળો બન્યો છે. એટલુ જ નહીં, પંચાયતની ચૂંટણીમાં જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ઓબીસીને 27 ટકા અનામત બેઠકનો લાભ મળશે. માટે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ ગુજરાતમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી ગામડાઓમાં પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ જ નથી. સમય અવધિ પૂર્ણ થતાં મોટાભાગની પંચાયતોમાં તલાટીઓએ વહીવટ સંભાળ્યો છે. એમાંય ઓબીસી અનામતને લઇને વિવાદ થતાં સરકારે આખરે જસ્ટીસ ઝવેરી પંચની રચના કરવી પડી હતી. આ પંચે તમામ પાસાઓની વિચારણા અને સમુદાયના અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પંચાયતોમાં ઓબીસી અનામતનો લાભ આપનાર ગુજરાત ચોથુ રાજ્ય બનશે. જો કે ઓબીસી અનામતને કારણે અન્ય પછાત વર્ગ, એસસી-એસટીને એક પણ બેઠક ઘટશે નહીં. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડશે ત્યારબાદ પંચાયતોની બેઠકોમાં ફેરફાર થશે.
બીજી બાજુ ચૂંટણી પંચ પણ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યુ છે. જો પંચાયતોની ચૂંટણીઓ યોજાશે તો ગામડાઓમાં વહીવટદારનું શાસન સમાપ્ત થશે અને ફરી એકવાર ચૂંટાયેલી પાંખ પંચાયતોમાં શાસન કરશે.
વાત કરીએ વાવ બેઠકની તો એ ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. માટે આ બેઠક જીતવા બંને પક્ષ એડીચોટીનો દમ લગાવી રહી છે. આ પેટાચૂંટણી પછી 2 જીલ્લા-તાલુકા પંચાયત, 70 નગરપાલિકા ઉપરાંત 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.