અમદાવાદઃ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા જીએમડીસી કન્વેશન સેન્ટરમાં મે-2022માં લેવાયેલી CA ફાઇનલની પરીક્ષામાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, ICAIના વાઇસ પ્રેસિડેન્ટ CA અનિકેત તલાટી, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA પુરુષોત્તમ ખંડેલવાલ, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA વિશાલ દોશી, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન CA બિશન શાહ, અમદાવાદ બ્રાન્ચના સેક્રેટરી CA નીરવ અગ્રવાલ અને મે, 2022માં લેવાયેલી CA ફાઇનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 1000થી વધુ CA તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતાં.
ICAIની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આયોજfત પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને વેગવંતું રાખવામાં CA મહત્વનો ભાગ ભજવે છે. તેમણે મે-2022માં લેવાયેલી CAની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરતાં એક પ્રોફેશનલ તરીકે ગર્વની લાગણી અનુભવી રહ્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો.
ICAIના પદવીદાન સમારંભમાં હાજર રહેલા ICAIના વાઇસ પ્રેસિડેન્ટ CA અનિકેત તલાટીએ પદવીદાન સમારંભમાં રાજ્યમાંથી હાજર રહેલા 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે CA તરીકેની તમારી પ્રથમ સાઇન તમને આરબીઆઈના ગર્વનરે કરન્સી ઉપર કરેલી સાઇનનો અનુભવ કરાવશે.
સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક CAની સાઇન દેશના વડા પ્રધાનની સાઇન જેટલી જ સશક્ત હોય છે. વડા પ્રધાન મોદીના શબ્દો મુજબ CAની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા CA દેશના ચોકીદાર છે.
ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન CA બિશન શાહે પદવીદાન સમારંભમાં હાજર રહેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને તેમનાં માતાપિતાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે પ્રોફેશનલ કોર્સમાં સૌથી અઘરી પરીક્ષા CA પ્રોફેશનલની હોય છે, જેમાં ઉતીર્ણ થયેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે માતૃભૂમિનું સન્માન, માતૃસંસ્થા દ્વારા, માતૃભાષાના હેતથી આપણે સમાજપયોગી કાર્ય કરવા હંમેશાં તત્પર રહેવાનું છે. આજે દેશનાં 13 કેન્દ્રો ઉપર CA પદવીદાન સમારંભ યોજાયા છે, જેમાં 14,500થી વધુ નવાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે.