135 કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ

ગાંધીનગર– રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આજે સોમવારે ગાંધીનગરમાં આશરે ૧૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત ગુજરાત વિધાનસભા ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના પટાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનું આયોજન કરાયું હતું. રાજ્યપાલ ઓ પી કોહલી પૂજનઅર્ચનમાં ભાગ લઇ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગેમુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રધાનમંડળના સભ્યો, ચૂંટાયલા ધારાસભ્યો સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુલાબી રંગના પથ્થરોથી નવનિર્મિત આ ભવનમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, વિપક્ષના નેતા, મંત્રીમંડળના સભ્યોની ચેમ્બરોનું પણ રીનોવેશન કરાયું છે. વિધાનગૃહમાં અદ્યતન બેનમૂન બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સીસ્ટમ તથા લાઇટીંગની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત શાસક પક્ષ, વિપક્ષને બેઠક માટે કોન્ફરન્સ હૉલ તથા લાયબ્રેરીને અદ્યતન બનાવાઇ છે. આ ભવન નાગરિકોને જોવા માટે અનેરૂ નજરાણું બની રહેશે.આ પ્રસંગે યોજાયેલ યજ્ઞમાં વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલે પૂજનઅર્ચન કર્યા હતા. તેમજ વિધાનસભાના પદનામિત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ચૌદમી વિધાનસભાના પ્રારંભે ૧૮મા અધ્યક્ષ તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદીની સર્વાનુમતે વરણીચૌદમી ગુજરાત વિધાનસભાના પ્રારંભે વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી થયા બાદ પોતાના પ્રતિભાવમાં નવનિર્મિત અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રસ્થાપિત કરેલી ઉચ્ચ સંસદીય પરંપરાને સુદ્રઢ બનાવવા ફરજ બજાવીશ. વિધાનસભાના અધ્યક્ષની સર્વાનુમતે વરણી થવા અંગે તેમણે વિધાનસભાના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, અગાઉના અધ્યક્ષોના નિર્ણયો તેમની સુદીર્ઘ કારિકર્દી માટે પથદર્શક બની રહેશે.

મુખ્યપ્રધાન વિજય રુપાણી૧૪મી વિધાનસભાની શરૂઆતમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્ય વિધાનસભાના ૧૮મા અધ્યક્ષની વરણી સંદર્ભે સભાગૃહના સભ્ય રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદીને સભાગૃહના અધ્યક્ષ તરીકે પસંદ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને વિધાનસભા ગૃહના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ ટેકો આપ્યો હતો. આ પ્રસ્તાવ રજૂ કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતની ઉચ્ચ સંસદીય પ્રણાલીને જાળવી રાખવાના વધુ એક પ્રયાસ સ્વરૂપે ફરીથી અધ્યક્ષની સર્વાનુમતે વરણી થઇ છે. તેમણે સૌ સભ્યોનો આ તકે આભાર પણ માન્યો હતો.

સંસદીય પ્રણાલિકા અને લોકશાહીના ઉચ્ચમૂલ્યોના જતન માટે ગુજરાતે હંમેશા આગેવાની લીધી છે તેવું જણાવતા મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, તંદુરસ્ત લોકશાહી માટે વિધાનસભા પ્રજાના કલ્યાણનો ધબકાર બને. ગુજરાતની સંસદીય પ્રણાલિકા વધુ મજબૂત બને અને આ પરંપરા વધુ ઉજાગર થાય તેવા કાર્યો માટે મુખ્યપ્રધાને નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છ પાઠવી હતી.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીવિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષને શુભકામના પાઠવતા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિર સમા આ વિધાનસભા ગૃહમાં ઉચ્ચ સંસદીય પ્રણાલીને અનુસરીને અધ્યક્ષને સર્વાનુમતે પસંદ કરવા સૌએ સહયોગ આપ્યો છે તે ખરેખર અભિનંદનીય છે.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગુજરાત વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં રાજેન્દ્ર ત્રિવેદીને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, લોકશાહીના આ મંદિરમાં આપને અમે સૌએ જે મોટી જવાબદારી સોંપી છે તેને આપ સુપેરે નિભાવશો. આપના વકીલ તરીકેના અનુભવનો નિચોડ પણ ગૃહ ચલાવવા માટે માર્ગદર્શક નિવડશે. તેમણે કહ્યુ કે અધ્યક્ષની સર્વાનુમતે વરણી થઇ છે ત્યારે વિપક્ષ પણ સંપૂર્ણ સહયોગ આપશે એવી આશા વ્યક્ત કરી હતી. આપણે સૌ સાથે મળી ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને ચરિતાર્થ કરી નાગરિકોના પ્રશ્નોને વાચા આપીને સમૃધ્ધ લોકશાહીની પરંપરા રચવા સહયારા પ્રયાસો કરીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.