પીએસયુ બેંકોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 236 પોઈન્ટ ગબડ્યો

અમદાવાદ– શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે વધુ ગબડ્યું હતું. પંજાબ નેશનલ બેંકના રુપિયા 11,400 કરોડના મહાકૌભાંડની અસર આજે પણ જોવા મળી હતી. શેરોની જાતે-જાતમાં દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. બેંકિંગ સેકટરના શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોના ભાવ ગબડ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હતા, પણ બપોરે યુરોપિન સ્ટોક માર્કેટ માઈનસ ખુલ્યા હતા. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 236.10(0.69 ટકા) ગબડી 33,774.66 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 73.90(0.71 ટકા) તૂટી 10,378.40 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ હોવા છતાં ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ માઈનસ ખુલ્યા હતા. પીએનબી મહાકૌભાંડના છાટા બીજી બેંકોને પણ ઉડશે. તેની ગંભીર અસર પડશે. જે ધારણા પાછળ તેજીવાળા ખેલાડીઓએ અને એફઆઈઆઈએ જોરદાર વેચવાલી ફરી વળી હતી. અને ટ્રેડિંગ સેશન દરમિયાન શેરોના ભાવ એકતરફી તૂટ્યા હતા.

સરકારી બેંકોના શેરોમાં ભારે વેચવાલી ચાલુ જ રહી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટી ઝડપી ઘટ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં વેચાણો કપાયા હતા., સવારે વેચી ગયેલીઓની કાપણી પણ આવી હતી, જેથી સામાન્ય સુધારો આવ્યો હતો.

 • પીએનબી કૌભાંડને કારણે સરકારી બેંકના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. પીએસયુ બેંકનો ઈન્ડેક્સ 5 ટકાથી વધુ તૂટ્યો હતો.
 • સીબીઆઈએ રોટોમેક કંપનીના સીઈઓ વિક્રમ કોઠારીની ધરપકડ કરી છે, જે સમાચાર પછી શેરબજારમાં વેચવાલી આવી હતી.
 • રોજ કૌભાંડમાં નવા ફણગા ફૂટી રહ્યા છે, જેથી માર્કેટમાં ભયનું વાતાવરણ હતું.
 • સેઈલે સ્ટીલ બારના ભાવ 10-14 ટકા સુધીનો વધારો કર્યો છે. તેમજ સ્ટીલ શીટમાં 2-7 ટકાનો વધારો કર્યો છે.
 • ભુષણ સ્ટીલને ખરીદવાની રેસમાં ટાટા સ્ટીલ સૌથી આગળ છે. ટાટા સ્ટીલે રુપિયા 36,000 કરોડની બોલી લગાવી છે., જ્યારે ભુષણ સ્ટીલને માથે કુલ રુપિયા 56,000 કરોડનું દેવું છે.
 • પીએનબી કૌભાંડ પછી સરકાર વધુ કડક બની છે. પીએનબીની બ્રેડી બ્રાન્ચને સીલ કરી છે, યુનિયન બેંકમાં અંદાજે રુપિયા 500 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે, સરકારે હવે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.
 • શુક્રવારે એફઆઈઆઈએ રુ.1065 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.1127 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
 • આજની ટ્રેડિંગ સેશનમાં માર્કેટ તૂટીને આવતાં કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં કુલ રુપિયા 1.12 લાખ કરોડનું ધોવાણ થયું છે.
 • પીએનબીના શેરનો ભાવ રુ.9.25(7.36 ટકા) તૂટી રુ.116.40 બંધ રહ્યો હતો.
 • ગીતાજંલી જેમ્સનો શેરનો ભાવ રુ.3.75(9.99 ટકા) તૂટી રુ.33.80 દસ ટકાની લોઅર સર્કિટ બ્રેકરમાં બંધ થયો હતો.
 • તમામ સેકટોરલ ઈન્ડેક્સ માઈનસમાં બંધ હતા.
 • રોકડાના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 173.69 માઈનસ બંધ રહ્યો હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 178.67 ઘટ્યો

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]