વિન્ટર ઓલિમ્પિક્સઃ ટોપ લૂઝ થઈ જતાં ફ્રેન્ચ આઈસ સ્કેટર શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ

પ્યોંગચાંગ (દક્ષિણ કોરિયા) – અહીં ચાલી રહેલા શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવમાં આજે ફ્રાન્સની ફિગર સ્કેટર ગેબ્રિયેલા પાપડાકીસ ‘વોર્ડરોબ માલફંક્શન’ને કારણે એને બધાયની સામે શર્મિંદા થવું પડ્યું હતું.

આઈસ ડાન્સ હરીફાઈમાં પાપડાકીસ અને એનાં પાર્ટનર ગિલેમો ઝીરોન પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે પાપડાકીસનો ચમકીલો ડ્રેસ જમણા ખભા પરથી સરકી ગયો હતો. એ દ્રશ્ય દુનિયાભરમાં કરોડો લોકોએ ટીવી પર લાઈવ જોયું હતું.

પાપડાકીસનું ટોપ સરકી જવાને કારણે નીચાજોણું થયું હોવા છતાં  ફ્રેન્ચ જોડી બીજા ક્રમે આવી હતી અને રજતચંદ્રક જીત્યો હતો. ગોલ્ડ મેડલ કેનેડાની ટેસા વર્ચૂ અને સ્કોટ મોઈરે જીત્યો હતો.

22 વર્ષીય પાપડાકીસનું હોલ્ટર-ટોપ સાઈડ પરથી ખસી જતાં એનું સ્તન સહેજ બહાર આવી ગયું હતું. પાપડાકીસે એની ચેસ્ટને કવર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ નિષ્ફળ ગઈ હતી. તે છતાં તેણે અને એનાં પાર્ટનર ઝીરોને ફિનિશ કર્યું હતું. હરીફાઈ પૂરી થયા બાદ પાપડાકીસ આંખમાં આંસુ સાથે આઈસ પરથી રવાના થઈ ગઈ હતી.

પાપડાકીસની બદનામીમાં વધારો ત્યારે થયો જ્યારે અરીના ખાતેના જ સ્ક્રીન ઉપર વોર્ડરોબ માલફંક્શનની તે ઘટનાને સ્લો મોશનમાં વારંવાર બતાવવામાં આવી હતી.

બાદમાં, પાપડાકીસે કહ્યું હતું કે ઓલિમ્પિક્સમાં મારો સૌથી ખરાબ અનુભવ હતો. ટોપ સરકી ગયું હતું તે છતાં મેં મનોમન કહ્યું કે હું મારો પરફોર્મન્સ ચાલુ રાખીશ.

ઝીરોને પણ કહ્યું કે, કોસ્ચ્યૂમની તકલીફને કારણે અમે અમુક પોઈન્ટ્સ મેળવી ન શક્યા એનાથી અમને નિરાશા થઈ છે.

વર્તમાન વિન્ટર ઓલિમ્પિક્સમાં વોર્ડરોબ ફંક્શનનો ભોગ બનેલી પાપડાકીસ પહેલી ફિગર સ્કેટર નથી. અગાઉ, દક્ષિણ કોરિયાની મિન યુરાનાં ડ્રેસનાં રેડ ટોપનું હૂક પણ ટીમ શોર્ટ ડાન્સ વખતે ખુલી ગયું હતું. પાર્ટનર એલેકઝાંડર ગેમલીન સાથે સાઈડ-બાય-સાઈડ સ્પિન કરતી હતી ત્યારે હૂક તૂટી ગયું હતું અને એને લીધે તે અર્ધનગ્ન જેવી હાલતમાં આવી ગઈ હતી. જોકે એણે અમુક સેકંડમાં જ પોતાને સંભાળી લીધી હતી અને પોતાનો પરફોર્મન્સ ચાલુ રાખ્યો હતો. આ હિંમત બદલ યુરાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

જોકે આ બંને બનાવ 2009ની યૂરોપીયન ચેમ્પિયનશિપમાં બનેલા બનાવની સરખામણીએ કંઈ જ ન કહેવાય. તે સ્પર્ધા વખતે રશિયન સ્કેટર ઈકેટરીનાનો ગુલાબ રંગનો ડ્રેસ એનાં પેટ સુધી નીચે ઉતરી ગયો હતો અને એનાં સ્તન ખુલ્લા થઈ ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]